આસ્ટોડિયા રોડ પરના BRTS સ્ટેશનના સ્લાઇડિંગ ડોરથી મુસાફરો પરેશાન

અમદાવાદ: મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા શરૂ કરાયેલી બીઆરટીએસ બસ સર્વિસ હેઠળ આસ્ટોડિયા રોડને આવરી લેવાયો છે. આસ્ટોડિયા રોડ પર ખમાસા-દાણાપીઠ ખાતે મ્યુનિસિપલ મુખ્યાલય છે.

આ કોરિડોરમાંથી કાલુપુર રેલવે સ્ટેશન, ગીતામંદિર, નરોડા, એલ.ડી. એન્જિ. કોલેજ, વાસણા, આરટીઓ જેવા મહત્ત્વનાં સ્થળોને જોડનારી બીઆરટીએસ બસ દોડાવાઇ રહી છે. તેમ છતાં આ કોરિડોર તંત્રની ઉપેક્ષાનો ભોગ બન્યો છે, જેના કારણે લાંબા સમયથી સેંકડો મુસાફરો સ્લાઇડિંગ દરવાજાની સમસ્યાથી પરેશાન હોવા છતાં સત્તાવાળાઓ કુંભકર્ણની નિદ્રામાં છે.

આસ્ટો‌િડયા રોડ પરના બીઆરટીએસ કોરિડોર પર લોકમાન્ય તિલકબાગ, રાયખડ ક્રોસ રોડ, મ્યુનિસિપલ કોર્પો. ઓફિસ, આસ્ટોડિયા ચકલા, આસ્ટોડિયા દરવાજા, રાયપુર દરવાજા, કર્ણમુક્તેશ્વર મહાદેવ, સારંગપુર દરવાજા અને કાલુપુર રેલવે સ્ટેશન એમ નવ બીઆરટીએસનાં બસ સ્ટેશન છે.

જોકે આસ્ટોડિયા રોડ પરના સેન્સર ધરાવતા બસ સ્ટેશનના સ્લાઇડિંગ ડોર સરળતાથી ખૂલતા કે બંધ થતા નથી. બસ સ્ટેશનના છેડે મુકાયેલા સેન્સરની સર્જાયેલી ખામીના કારણે આ સમસ્યા ઉદ્ભવી છે.

અનેક વાર જે તે બસ સ્ટેશનના ખુલ્લા દરવાજા બસની પ્રતીક્ષા કરતાં બાળકો અને મહિલા માટે ‌િપકઅવર્સ દરમ્યાન જોખમી બને છે તો કેટલીક વાર બસ આવ્યા બાદ પણ સ્લાડિંગ દરવાજા ન ખૂલવાથી પણ અફરાતફરીનો માહોલ સર્જાય છે.

જાણકાર સૂત્રો કહે છે, અમદાવાદ જનમાર્ગ લિમિટેડના ઓપરેશન વિભાગના ડેપ્યુટી જનરલ મેનેજર મૂકેશ પટેલને સંબંધિત કોન્ટ્રાકટરને નોટિસ ફટકારવાની પણ તાકીદ તંત્ર દ્વારા ઉચ્ચ સ્તરેથી અપાઇ છે, આ મામલે મૂકેશ પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં તેમનો સંપર્ક થઇ શકતો નથી.

You might also like