ફલોરિડામાં રનવેથી લપસીને બોઈંગ વિમાન સીધું નદીમાં જઈને ખાબક્યું

અમેરિકાના ફલોરિડામાં ૧૪૦ પ્રવાસીને લઇ જઇ રહેલું બોઇંગ ૭૩૭ વિમાન રનવે પરથી લપસીને સીધું નદીમાં જઈને ખાબક્યું હતું. રિપોર્ટ મુજબ વિમાન નવલ એર સ્ટેશન જેકશનવિલેના રનવેેથી લપસ્યું હતું અને સીધું સેન્ટ જોન્સ નદીમાં આવીને પડયું.

આ એક કોમર્શિયલ ફલાઇટ હતી. તેમાં ૧૪૦ લોકો સવાર હતા.  તેમાંથી ૧૩૩ મુસાફરો અને સાત ક્રૂ મેમ્બર હતા. સારી વાત એ રહી કે વિમાન ઊંડા પાણીમાં ક્રેશ ન થયું તેથી તે ડૂબ્યું નહીં અને વિમાનમાં બેઠેલા તમામ લોકોનો જીવ બચી ગયો છે. બચાવ કાર્ય માટે જેએસઓ મરિન યુનિટને બોલાવાયું છે.

જેકશનવિલેના મેયરે જાણકારી આપી છે કે અમારું એક કોમર્શિયલ પ્લેન નદીમાં પડી ગયું. અમે અમારી ફાયર એન્ડ રેસ્કયુ ટીમને આ ઘટનાની જાણકારી આપી દીધી છે અને તેઓ પોતપોતાના કામમાં લાગી ગયા છે. તેમણે એક ટિવટ કરીને જણાવ્યું છે કે તમામ યાત્રીઓ સુર‌‌ક્ષિત છે.

નેવલ એર સ્ટેશન ‌જેકશનવિલે તરફથી મળેલી જાણકારી મુજબ આ ઘટના લેન્ડિંગ સમયે ઘટી. આ વિમાન કયુબાથી આવી રહ્યું હતું. જોકે દુર્ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર મળ્યા નથી. મુસાફરોને લઇ જઇ રહેલા વિમાનના તમામ યાત્રી સુર‌િક્ષત બચી ગયા, પરંતુ એક વાર ફરી બોઇંગના વધુ એક વિમાન પર સવાલ ઊભો થયો છે. આ પહેલાં પણ બોઇંગની ૭૩૭ સિરીઝના મેકસ-૮ વિમાનો પર ઘણા દેશોમાં પ્રતિબંધ લાગી ચૂકયા છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં ઇથોપિયા ઘટના બાદ ઘણા દેશોમાં ૭૩૭ મેકસનું સંચાલન અટકાવી દેવાયું હતું. ભારતે પણ તપાસ બાદ બોઇંગ ૭૩૭-મેકસ વિમાનોનાં સંચાલન પર પ્રતિબંધ મૂકયો હતો.  યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતાં ભારત સરકારે પણ બોઇંગ ૭૩૭ મેકસ વિમાનો પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકયો હતો. નાગરિક ઉડ્ડયન પ્રધાન સુરેશ પ્રભુએ તે સમયે કહ્યું હતું કે સુરક્ષા માટે જરૂરી બદલાવ થાય ત્યાં સુધી આ વિમાનોનો ઉપયોગ નહીં કરાય.

You might also like