આ તે કેવી મુશ્કેલી! BRTS ટિકિટ માટે મુસાફરોને જવું પડે છે રસ્તો ક્રોસ કરીને

અમદાવાદઃ સાયન્સ સિટી એપ્રોચ પાસે નવું બીઆરટીએસ બસ સ્ટેન્ડ છેલ્લા છ મહિનાથી તૈયાર થઇ ગયું છે, પરંતુ સામાન્ય કામ બાકી હોવાનાં કારણે મુસાફરોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હાલમાં બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં અવરજવર કરવા લોકોને ટિકિટ માટે પણ ભારે ટ્રાફિકવાળો રસ્તો ક્રોસ કરીને બે‌રિકેડની નીચેથી જવું પડે છે.

બીઆરટીએસમાં સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવી છતાં કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવતી. આ વિસ્તારમાં બીઆરટીએસ દ્વારા શહેરનાં સાયન્સ સિટી એપ્રોચથી ઓઢવ એસપી રિંગ રોડ અને સાયન્સ સિટીથી મણિનગર સુધી બસની સુવિધા શરૂ કરવામાં આવી છે અને આ સ્થળે બસ સ્ટેન્ડની જગ્યાએ ટિકિટ માટે બૂથ મૂકવામાં આવ્યું છે. આ બૂથની સામે જ નવું બીઆરટીએસ બસ સ્ટેન્ડ તૈયાર થઇ ગયું છે, પરંતુ તે હજુ સુધી ચાલુ ન કરાતાં સિનિયર સિટીઝન તેમજ બાળકોને ટિકિટ લેવા માટે ૧ર૦ મીટર જેટલો રસ્તો ક્રોસ કરીને બે‌રિકેડ નીચેથી જવું પડે છે. મુસાફરોને આ વિસ્તારમાં અન્ય કોઈ સુવિધા ન હોવાથી મજબૂરીથી આ રોડ ક્રોસ કરીને ટિકિટ લેવા જવું પડે છે, જ્યારે બીઆરટીએસનાં અધિકારીઓ એકબીજાને ખો આપી જવાબદારીમાંથી છટકી રહ્યા છે.

સોલા અન્ડરબ્રિજ નીચેથી સાયન્સ સિટી જવા માટે અવારનવાર ટ્રાફિક સર્જાય છે, જેનાં કારણે ટ્રાફિક પોલીસ દ્વારા રોડ વચ્ચે બેરિકેડ મૂકવામાં આવ્યા છે તેનાં કારણે અવર-જવર કરનાર લોકોને એક કિલોમીટર સુધી ફરીને આવવું પડે છે. અહીં બીઆરટીએસ જંક્શન આવેલું છે, જ્યાં બીઆરટીએસ ઊભી રહે છે અને રોડની સામે ટિકિટ બૂથ મૂકવામાં આવ્યું છે. બીઆરટીએસની ટિકિટ લેવા માટે બાળકો, મહિલાઓ તેમજ સિનિયર સિટીઝનને ૧ર૦ મીટરનો રોડ ક્રોસ કરીને બે‌રિકેડ નીચેથી જવું પડે છે. બીઆરટીએસ બૂથ દૂર હોવાથી મુસાફરો ટિકિટ લઇને જ્યારે પાછા ફરે છે ત્યારે તેમને રસ્તો ક્રોસ કરવામાં અકસ્માતનો ડર રહે છે. મુસાફરોની માગણી છે કે રોડની સામેની બાજુએ ટિકિટ કાઉન્ટર પણ મૂક્યું છે, જે નવું બીઆરટીએસ બસ સ્ટેન્ડ બન્યું છે તે જગ્યાએ મૂકવામાં આવે, જેથી કોઇ અકસ્માત જેવી ઘટના ન બને અને મુસાફરોને પણ ટિકિટ લેવામાં મુશ્કેલી ન પડે. તંત્ર વહેલી તકે આનું નિરાકરણ લાવે તેવી મુસાફરોની માગણી છે.

આ અંગે એડિશિનલ સિટી ઈજનેર હિતેશ કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે આ જંકશન પાસે લોકોને ટિકિટ લેવા મુશ્કેલી પડી રહી હતી તેના માટે નવું બીઆરટીએસ બસ સ્ટેશન બનાવ્યું છે જેનું કામ પૂર્ણ થઈ ગયું છે. હાલમાં ટિકિટ કાઉન્ટર જનમાર્ગ વિભાગમાં આવે છે. તેમની સાથે વાત કરીને વહેલામાં વહેલી તકે નવું બીઆરટીએસ બસ સ્ટેશન શરૂ કરી દેવામાં આવશે.

You might also like