છકડાની ટક્કરે બાઇક લકઝરી બસ સાથે અથડાતાં દંપતિનું મોત

વડોદરાઃ શહેરથી ૪૦ કિ.મી.દૂર હાલોલ ખાતે પાવાગઢ રોડ પર આજે બપોરે છકડાએ બાઇકને ટક્કર મારી હતી. છકડાની ટક્કરનાં કારણે બાઇક સામે આવતી લક્ઝરી બસ સાથે અથડાયુ હતું. આ અકસ્માતમાં બાઇક પર જતાં પરિવાર પૈકી યુવકનું ઘટના સ્થળે જ મોત થયુ હતું જ્યારે યુવકની પત્ની અને ૬ વર્ષની બાળકીને ગંભીર ઇજાઓ સાથે વડોદરા ખસેડાઇ હતી જ્યાં પત્નીનું મોત થયુ હતું. બાળકી સારવાર હેઠળ છે.

કાલોલ તાલુકાનાં મલાવ ગામ પાસે આવેલા મેદાપુરા ગામનાં જેતપુર ફળીયામાં રહેતો જિતેન્દ્ર રયજી પરમાર (ઉ.૨૮) તેની પત્ની રેખા (ઉ.૨૫)અને પુત્રી વનીતા (ઉ.૬) આજે બપોરે બાઇક લઇને હાલોલ તાલુકાના જેપુરા ગામમાં રહેતા સંબંધીને મળવા જતાં હતાં. તેઓ હાલોલમાં પાવાગઢ રોડ પર સીંધવાવ માતાજીના મંદિર પાસેથી પસાર થતાં હતા ત્યારે પાછળથી પુરપાટ ધસી આવેલા એક છકડાએ જિતેન્દ્રની બાઇકને ટક્કર મારી હતી.

આ દરમ્યાન જ સામેથી સ્કૂલનાં બાળકોનાં પ્રવાસની એક લક્ઝરી બસ પણ આવી રહી હતી. છકડાની ટક્કરે જિતેન્દ્રની બાઇક લક્ઝરી બસ સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં જિતેન્દ્રનું ઘટના સ્થળે જ મોત થયુ હતું જ્યારે રેખા બેભાન હતી પરંતુ શ્વાસ ચાલી રહ્યાં હોવાંથી તેને તથા તેની ઇજાગ્રસ્ત બાળકીને સારવાર માટે એસએસજી હોસ્પિટલ લાવવામાં આવ્યાં હતાં. અહીં સારવાર મળે તે પહેલા જ રેખાનું મોત થયું હતું. જ્યારે ૬ વર્ષની બાળકી વનીતા હાલ સારવાર હેઠળ છે.છકડા ચાલકની એક ભુલના કારણે બે જણનાં મોત થયાં હતાં જ્યારે એક છ વર્ષની બાળકી અનાથ થઇ ગઇ છે.

You might also like