સંયુકત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ટેરર ફન્ડિંગ રોકવાનો પ્રસ્તાવ પસારઃ પાક. પર ભારતે ફરી નિશાન સાધ્યું

(એજન્સી) નવી દિલ્હી: પાકિસ્તાની આતંકવાદીઓ પર લગામ લગાવવાના ભારતના પ્રયાસોને વધુ એક સફળતા મળી છે. સંયુકત રાષ્ટ્રની સુરક્ષા સમિતિમાં આતંકી ફન્ડિંગ અંગેનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. જેનો આશય આતંકીઓને મળતાં ફન્ડને અટકાવવાનો છે. આતંકીઓને આર્થિક સહાય આપનાર દેશ સામે સંયુકત રાષ્ટ્ર દ્વારા હવે કાર્યવાહી કરાશે.

આ પ્રસ્તાવ પસાર થયો તે વખતે ભારતના સંયુકત રાષ્ટ્રમાં ભારતના પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને પાકિસ્તાન પર પ્રહાર કરતાં જણાવ્યું કે જે દેશો આતંકીઓને શરણ આપે છે તે નિયમોનું ઉલ્લંઘન કરે છે. તેમણે પાકિસ્તાન તરફ સીધો ઇશારો કરતાં કહ્યું કે આતંકી સંગઠનો નવી પદ્ધતિઓથી ફન્ડ એકત્ર કરે છે. આતંકીઓને કેટલાક દેશો મદદ કરી રહ્યા છે. આ દેશો સતત આવી હરકતો કરતા આવ્યા છે. વૈશ્વિક સમુદાય જો આ માટે આગળ આવે તો ભારત તેના માટે તમામ રીતે તૈયાર છે.

ઉલ્લેખનીય છે કે જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને ઘેરવા માટે ભારત સતત દબાણ ઉભું કરી રહ્યું છે. ભારતનો સાથ આપીને અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ સંયુકત રાષ્ટ્રમાં મસૂદ અઝહર પર પ્રતિબંધ મૂકવા ફરી પ્રસ્તાવ લાવ્યા છે. ચીને અમેરિકાના આ પગલાં સામે નારાજગી વ્યકત કરીને ફરીથી તેનું સમર્થન નહીં કરવાનો ઇશારો કરી દીધો છે. અગાઉ ચીને વિટો વાપરીને પ્રસ્તાવ ઉડાવી દીધો હતો. ચીને મસૂદને વિટો વાપરીને ચાર વખત આંતરરાષ્ટ્રીય આતંકવાદી ઘોષિત થતાં બચાવ્યો છે.

દરમિયાનમાં આતંકવાદીઓને પોષતા પાકિસ્તાન સામે અમેરિકાએ અત્યંત કડક વલણ અપનાવ્યું છે. અમેરિકી સાંસદોએ આતંકવાદીઓ સામે પાકિસ્તાન પગલાં ભરે તે માટે પ્રસ્તાવ રજૂ કર્યા છે. અમેરિકી સંસદમાં સાંસગ સ્કોટ પેરીએ આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેમાં પુલવામામાં થયેલા આતંકી હુમલાની નિંદા કરવામાં આવી છે. પુલવામાના હુમલામાં સીઆરપીએપના ૪૦ જવાન શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી હતી.

પ્રસ્તાવમાં જણાવાયું છે કે હવે આતંકવાદ માટે પાકિસ્તાનની સરકારને જવાબદાર ઠેરવવાનો સમય આવી ગયો છે. અમેરિકાના તમામ પ્રયાસો છતાં પાકિસ્તાન વર્ષોથી આતંકવાદીઓને તમામ સહાય કરે છે. આતંકી હુમલાઓમાં અનેક નિર્દોષ લોકો માર્યા ગયા છે. તેમની સામે પગલાં ભરવાના બદલે પાકિસ્તાન સરકાર તેમને ગળે લગાવે છે.

You might also like