આંદોલનની રણનીતિ નક્કી કરવા ૧૦મીએ અમદાવાદમાં પાસની મીટિંગ

અમદાવાદ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની હાર બાદ પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય કન્વિનર હાર્દિક પટેલને જેલમાંથી છોડાવવા માટે રણનીતિ નક્કી કરવા માટે આગામી ૧૦ ડિસેમ્બરે અમદાવાદ ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિની કોર કમિટીની બેઠક રાખવામાં આવી છે. આ બેઠકમાં રાજકોટ જિલ્લાના કન્વિનર સહિત સમગ્ર સૌરાષ્ટ્રના કન્વિનરો હાજર રહેશે.

પાટીદાર અનામત આંદોલન સમિતિ સૌરાષ્ટ્રના કન્વિનર લલિત વસોયાએ જણાવ્યું હતું કે, અનામત આંદોલન વેગવંતુ કરવા માટે અને હાર્દિક પટેલને જેલમાંથી છોડાવવા માટે અમદાવાદ ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિની કોર કમિટી અને તમામ જિલ્લાના કન્વિનરોની એક અગત્યની બેઠક આગામી ૧૦ ડિસેમ્બરે સવારે ૧૦ થી સાંજે ૬ વાગ્યા સુધી મળવાની છે. આ બેઠકમાં સમગ્ર ગુજરાતમાં નાના નાના ગામડાંથી લઈને શહેરી વિસ્તારોમાં સંગઠન મજબૂત બનાવવા, ચૂંટણીના પરિણામોની સમીક્ષા કરવામાં આવશે. ત્યારબાદ રાજકારણમાં કેવું સ્ટેન્ડ લેવું તે નક્કી કરાશે, તેમજ ફરીથી આંદોલનને વેગવંતુ બનાવવા માટે તબક્કાવાર કાર્યક્રમો આપવા અંગેની ચર્ચા કરવામાં આવશે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ રાજય સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલ તથા તેના સાથીદારો સાથે કાયદાકીય દાવપેટમાં કોઈ રાહત નહીં મળે તો પાટીદાર અનામત આંદોલન વેગવંતુ બનાવવા માટે આગામી કાર્યક્રમોની ઘોષણા અમદાવાદ ખાતે યોજાનાર બેઠકમાં કરવામાં આવશે. પાટીદાર અનામત સમિતિ દ્વારા ચૂંટણી સમયે કોંગ્રેસને ખુલ્લો ટેકો જાહેર કરી પાટીદારોને તેમના તરફી મતદાન કરવા આહવાન કરવામાં આવ્યું હતું.

You might also like