‘પાસ’ કોંગ્રેસ પાસે ટિકિટ નહીં માગે, ટિકિટ મેળવનારે ‘પાસ’ છોડવી પડશે

અમદાવાદ: આગામ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફ કૂણી લાગણી દેખાડનાર પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) દ્વારા પક્ષને ઓછામાં ઓછી વીસ બેઠક પર ટિકિટની માગણી કરાઇ હોવાની અટકળોને આજે ‘પાસ’ દ્વારા ફગાવી દેવાઇ હતી. ચૂંટણીમાં કોઇપણ રાજકીય પક્ષ પાસે ‘પાસ’ ટિકિટની માગણી નહીં કરે તેવી જાહેરાત પણ ‘પાસ’ના અગ્રણીએ કરી છે.

‘પાસ’ કોર કમિટીના સભ્ય દિનેશ બાંભણિયા કહે છે આજે ગાંધીનગરમાં મળનારી ‘પાસ’ની કોર કમિટીની બેઠકમાં અનામત અંગેની કોંગ્રેસની ફોર્મ્યુલા અંગે વિચારણા કરીને કોંગ્રેસને સમર્થન આપવું કે નહીં તે બાબતે નિર્ણય લેવાશે. જોકે ‘પાસ’ની કોર કમિટી ચૂંટણીમાં એક પણ ટિકિટની માગણી કોંગ્રેસ કે અન્ય કોઇપણ રાજકીય પક્ષને કરશે નહીં પાસ સાથે જોડાયેલા કોઇ કાર્યકરને જો કોંગ્રેસ ટિકિટ ફાળવશે તો તેવા સભ્યને ‘પાસ’ છોડવો પડશે.

‘પાસ’એ હજુ સુધી કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું નથી તો મહેશ રાજકોટિયા જેવા લોકો કયા આધારે ટિકિટની ભલામણ કરી રહ્યા છે. પાસ પાટીદાર સમાજનાં હિત અહિતનો વિચાર કરીને અનામત અંગેની કોંગ્રેસની ફોર્મ્યુલાના આધારે ચૂંટણીની તારીખના છેલ્લા દિવસે પણ કોંગ્રેસને સમર્થન જાહેર કરી શકશે તેમ પણ તેમણે વધુમાં જણાવ્યું હતું.

બિન અનામત વર્ગ માટે બંધારણીય જોગવાઇનો સહારો લઇને ખાસ કેટેગરીમાં અનામત આપવા અંગે કોંગ્રેસની કરાયેલી દરખાસ્ત સંદર્ભે આજની બેઠકમાં ચર્ચા વિમર્શ કરાશે. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે કપિલ સિબ્બલ સાથેની મહત્વની પરંતુ અનામત મામલે અનિર્ણિત રહેલી બેઠક બાદ કોંગ્રસ અને પાસ વચ્ચે આગામી બે ત્રણ દિવસમાં ફરીથી બેઠક યોજાય તેવી શકયતા છે.

You might also like