‘પાસ’એ સરકાર સાથે શરતી સમાધાનની તૈયારી દાખવી

અમદાવાદ: એક તરફ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે સરકાર સાથે સમાધાનની ચર્ચા કરવાની તૈયારી દાખવી છે. બીજી તરફ સોશિયલ મિડિયા પર પાસ દ્વારા સરકાર સાથે શરતી સમાધાનની તૈયારી દર્શાવતા મેસેજ ફરતા થયા છે.

પાસના તરફથી સોશિયલ મિડિયામાં મૂકાયેલા આ મેસેજમાં હાર્દિક પટેલને પાસનો નેતા તરીકે ઓળખાવ્યો છે. આની સાથે સાથે પાસએ સરકાર સાથે સમાધાન કરવા કેટલીક શરત મૂકી છે. જે મુજબ સરકાર સાથેની વાતચીત હાર્દિક પટેલની આગેવાનીમાં જ થશે. વાટાઘાટો માટે રાજ્ય સરકારે હાર્દિક પટેલ અને તેની સાથે જેલમાં રહેલા કેતન પટેલ, દિનેશ પટેલ, ચિરાગ પટેલ અને નિલેશ ખેરવાડિયાને જેલમાંથી મુક્ત કરવાના રહેશે.

પાસ દ્વારા પાટીદારોને અનામતનો લાભ આપવાની માગણી પણ દોહરાવવામાં આવી છે. આ ઉપરાંત પાટીદારો પર અત્યાચાર ગુજારનાર પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ સામે કડક પગલાં લેવામાં આવે, આંદોલન દરમ્યાન થયેલા તમામ કેસો પાછા ખેંચવામાં આવે જેવી શરતો પણ મૂકાઇ છે.

પાસના અગ્રણીઓએ વધુમાં જણાવ્યું હતું કે, જો સરકાર અમારી સાથે વાતચીત કરવા તૈયાર હોય તો અમે આ મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર છીએ. સરકાર અને પાસ વચ્ચેની વાતચીત દરમ્યાન અન્ય કોઇપણ વ્યક્તિની ભૂમિકા અમને મંજૂર નથી.
ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલની વિસનગર પોલીસ દ્વારા ધરપકડ કરાઇ હતી અને રિમાન્ડ માગવામાં આવ્યા હતા. જોકે, હાર્દિકને આજે કોર્ટમાં રજૂ કરી પોલીસે વધુ રિમાન્ડની માગણી ન કરતાં હાર્દિકને સુરતની લાજપોર જેલમાં પરત લઇ જવાયો હતો. જ્યાં તેણે આ અંગે નિવેદન આપ્યું હતું.

You might also like