સોમવારથી પર્વાધિરાજ પર્યુષણ પર્વનો પ્રારંભ

અમદાવાદ: પર્યુષણ પર્વનો સોમવારથી આરંભ થઇ રહ્યો છે ત્યારે રાજ્યભરનાં જૈન દેરાસર ખાતે જૈન સમાજના લોકો ભાવભેર ભક્તિસર કાર્યક્રમોમાં ભાગ લેશે. દેરાસર-ઉપાશ્રયમાં પ્રતિક્રમણ-પ્રવચન અને મંગળ દીવા સહિતના અનેકવિધ કાર્યક્રમ યોજાશે. ભગવાનને અવનવા શણગાર સાથેની આંગી કરવામાં આવશે.

પર્વાધિરાજ પર્યુષણ પર્વના મંગલમય પ્રારંભ સાથે જ તપશ્ચર્યા, ધર્મધ્યાન, સેવા-પૂજામાં શ્રાવકો લીન થશે. સવારથી જ તીર્થંકર ભગવંતોની દિવ્ય પ્રતિમાને પક્ષાલ, કેસર, ચંદન-પુષ્પથી પૂજા કરવા ભાવિકો ઊમટશે. ચૈત્યવંદન સાથે મધુર કંઠે ગવાતી સ્તવનાથી વાતાવરણ ભક્તિમય બનશે.
દેરાસરમાં પ્રત્યેક પ્રતિમાને ભવ્ય આંગીની રચના સાથે રાત્રી સંગીત દેરાસર પરિસરમાં ગુંજશે.

પર્યુષણ મહાપર્વના પ્રારંભ સાથે જનાલય અને ઉપાશ્રયમાં સુશોભન અને રોશનીના શણગાર કરાયા છે. પર્યુષણ પર્વનું જૈન સમુદાય માટે અનન્ય મહાત્મ્ય હોઇ આઠ દિવસ દરમ્યાન શ્રાવકો વિવિધ તપશ્ચર્યા કરશે અને છેલ્લે સંવત્સરીનાં પ્રતિક્રમણ કરીને સંસારના સર્વ જીવોની ક્ષમાયાચના કરશે. ગુરુ ભગવંતોનાં પ્રવચન સાથે આઠ દિવસ તપ-ત્યાગ અને ધર્મ આરાધનામાં જૈન સમુદાય પસાર કરશે.

ભગવાનને આંગીથી સજાવવા મહિના પહેલાં તૈયારીઓ શરૂ થઇ જાય છે, જેમાં સોના-ચાંદી, હીરા, ફૂલના ઉપયોગ સાથેની આંગીની કિંમત પ હજારથી શરૂ થઇને ર૦ લાખ સુધીની થશે.

You might also like