પાર્ટી પ્લોટના માલિકનાં શંકાસ્પદ મોત પહેલાં તેમનાં પત્નીએ આત્મહત્યાની કોશિશ કરી હતી

અમદાવાદ: અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા રતનપુરા ગામમાં રહેતા અને પાર્ટી પ્લોટના માલિક 52 વર્ષીય દિનેશ પટેલ ઉર્ફે મુખીનું થોડાક દિવસ પહેલાં 13 ફૂટ ઊંચેથી પછડાતાં થયેલા શંકાસ્પદ મોતનો મામલો વધુ ગૂંચવાયો છે. પોલીસે દિનેશ મુખીના મોતના મામલે તપાસ શરૂ કરી છે. દિનેશ મુખીનું મોત થયું તેના પાંચ દિવસ પહેલાં તેમની પત્ની રાજશ્રીબહેન પટેલે લેણદારોના ત્રાસથી આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી, જેમાં રામોલ પોલીસે ત્રણ વ્યકિતઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ કંકુબાગ પાર્ટી પ્લોટ તથા શારદાબા સ્કૂલના મા‌િલક અને રતનપુરા ગામમાં રહેતા દિનેશ પટેલ ઉર્ફે મુખી 1 ઓગસ્ટની રાતે દોઢ વાગ્યાની આસપાસ તેમના મકાનની 13 ફૂટ ઊંચી બાલ્કનીમાંથી પટકાતાં તેમનું મોત થયું છે. દિનેશ મુખીના મોત બાદ સમગ્ર વિસ્તારમાં તેમના મોતને લઇને અલગ અલગ ચર્ચાઓ ઊઠી છે. પોલીસે પણ તેમના મોતનું સાચું કારણ શોધવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે ત્યારે ચોંકાવનારી વાત એ છે કે દિનેશ પટેલના શંકાસ્પદ મોતના 5 દિવસ પહેલાં લેણદારોના ત્રાસથી તેમનાં પત્ની રાજશ્રીબહેન પટેલે ફિનાઇલ પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી.

પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ અનુસાર તારીખ 25 જુલાઇના રોજ દિનેશ પટેલ અને તેમનાં પત્ની ઘરે હતાં તે સમયે મોડી રાતે 12 વાગ્યાની આસપાસ લગધીર દેસાઇ, ચંદુભાઇ દેસાઇ તથા દિનેશ દેસાઇ દિનેશ મુખી પાસે રૂપિયાની ઉઘરાણી કરવા માટે આવ્યા હતા.

ઉઘરાણી દરમ્યાન દિનેશ મુખીને ત્રણ વ્યકિતઓ બીભત્સ ગાળો બોલવા લાગી હતી, જેમાં રાજશ્રીબહેને રૂપિયા આપી દીધા છે તેમ છતાંય કેમ ઉઘરાણી કરો છો તેવું કહીને ફિનાઇલ પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી, જેમાં રાજશ્રીબહેનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. રામોલ પોલીસે આ મુદ્દે લગધીર દેસાઇ, ચંદુભાઇ દેસાઇ તથા દિનેશ દેસાઇ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.

રામોલ પોલીસે લગધીર દેસાઇની ધરપકડ કરી હતી જ્યારે હજુ અન્ય બે આરોપીઓ ફરાર છે. આ કેસમાં તપાસ કરી રહેલા રામોલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી. ડી. સોલંકીએ જણાવ્યું છે કે દિનેશ મુખીના કેસની તપાસ ચાલી રહી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી તેમના મોતનું સાચું કારણ જાણી શકાશે. તેમનાં પત્નીએ ફિનાઇલ પીધું હતું, જેમાં ગુનો દાખલ કરીને તપાસ ચાલુ કરી છે.

You might also like