અમદાવાદી પાર્થિવ પટેલને જ ટીમમાં સામેલ કરાયો, કારણ કે…

મોહાલી: ભારતીય ટીમનો વિકેટકીપર ઋદ્ધિમાન સાહા જમણા સાથળમાં થયેલી પીડાને કારણે ઈંગ્લેન્ડ સામે શનિવારથી મોહાલીમાં રમાનારી ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં નહીં રમે અને તેના સ્થાને ભારતીય પસંદગીકારોએ પાર્થિવ પટેલને ભારતીય ટીમમાં સામેલ કર્યો છે. BCCIની મેડિકલ ટીમે જણાવ્યું હતું કે સાહાને વિશાખાપટ્ટનમ ખાતેની બીજી ટેસ્ટમાં આ પીડા ઊભી થઈ હતી. પાર્થિવ પટેલની આઠ વર્ષ બાદ ટીમ ઇન્ડિયામાં વાપસી થઈ છે. છેલ્લે તે વર્ષ ૨૦૦૮માં ટેસ્ટ મેચ રમ્યો હતો. કેટલાય ક્રિકેટ ચાહકો સવાલ કરી રહ્યા છે કે ૩૧ વર્ષીય પાર્થિવ જ શા માટે? હાલ રણજી ટ્રોફીમાં ઘણા યુવાન વિકેટકીપર શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે તેમને શા માટે નજરઅંદાજ કરવામાં આવ્યા? આવા જ કેટલાક વિકેટકીપર પર નજર કરીએઃ

દિનેશ કાર્તિક: તમિલનાડુનો ૩૧ વર્ષીય કાર્તિક ૭૧ વન-ડે અને ૯ ટી-ટ્વેન્ટી ઉપરાંત ૨૩ ટેસ્ટ રમ્યો છે અને તાજેતરની કેટલીક મૅચોમાં તેણે સારી બૅટિંગ પણ કરી છે, પરંતુ પાર્થિવનું વિકેટકીપિંગ વધુ સારું હોવાથી તેમ જ પાર્થિવ લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન હોવાથી તેનો નંબર પહેલાં લાગી ગયો છે.

રિષભ પંત: મૂળ હરિદ્વારના ૧૯ વર્ષની ઉંમરના રિષભે તાજેતરમાં રણજી ટ્રોફીમાં દિલ્હી વતી ટ્રિપલ સેન્ચુરી ફટકારી હતી અને પછીથી એક જ રણજી મૅચમાં બે સદી નોંધાવી હતી. ઋષભે તાજેતરમાં જ રણજી ટ્રોફીની એક મેચમાં ફક્ત ૪૮ બોલમાં જ સદી ફટકારી હતી. જોકે, તેને ઇંગ્લૅન્ડ સામે હમણાં મેદાન પર ઉતારવાનું વહેલું કહેવાશે એવું સિલેક્ટરોને લાગતાં તેને ટીમમાં સમાવવાનું ટાળ્યું હતું.

નમન ઓઝા: મધ્ય પ્રદેશના નમનને ઑગસ્ટ, ૨૦૧૫માં સાહા ઈજા પામતાં શ્રીલંકા સામેની ટેસ્ટમાં રમવા મળ્યું હતું. જોકે, તે ઈજાને લીધે રણજીની શરૂઆતની ત્રણ મૅચમાં નહોતો રમી શક્યો. તે તાજેતરની રણજી મૅચમાં પણ નહોતો રમ્યો. આથી તેને મોહાલી ટેસ્ટ માટે પસંદ કરાયો નથી.

પાર્થિવ પટેલ અત્યારે બહુ સારા ફૉર્મમાં છે. તેણે છેલ્લી ત્રણ રણજી મૅચના છ દાવમાં એક સદી તથા ત્રણ અર્ધસદી ફટકારી છે અને કુલ ૧૩ કૅચ પકડ્યા છે. તે લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન હોવાથી ઇંગ્લૅન્ડના લેગ-સ્પિનર તથા લેફ્ટ-આર્મ સ્પિનર અનુક્રમે આદિલ રશીદ અને ઝફર અન્સારી સામે સારું રમશે એવું સિલેક્ટરોને લાગ્યું છે. તે ઓપનિંગ બૅટ્સમૅન પણ છે, પરંતુ મુરલી વિજય તથા લોકેશ રાહુલની હાજરી હોવાથી કયા ક્રમે રમશે એ જોવાનું રહ્યું.

૨૦૦૨ની સાલમાં પાર્થિવ કરિયરની પ્રથમ ટેસ્ટ વખતે ૧૭ વર્ષ અને ૧૫૩ દિવસની ઉંમરે ટેસ્ટ-ક્રિકેટનો સૌથી યુવાન વિકેટકીપર બન્યો હતો. હાલ તે ૩૧ વર્ષ અને ૨૫૯ દિવસનો છે અને હવે તે ટીમ ઇન્ડિયાનો બીજા નંબરનો સૌથી મોટી ઉંમરનો પ્લેયર બન્યો છે. મુરલી વિજય ૩૨ વર્ષ અને ૨૩૫ દિવસની ઉંમરે ટીમમાં સૌથી મોટી વયનો ખેલાડી છે. જોકે, ગઈ કાલે ૩૪ વર્ષના થયેલા અમિત મિશ્રાનો જો ટીમમાં સમાવેશ થશે તો ટીમમાં તે સૌથી મોટી ઉંમરનો કહેવાશે અને પાર્થિવ આ યાદીમાં ત્રીજા નંબરે જશે. જોકે, જયંત યાદવ સફળ થતાં મિશ્રાનો ચાન્સ લાગે એમ નથી.

You might also like