આજથી સંસદનું બજેટ સત્રઃ રપમીએ રેલવે બજેટ

નવી દિલ્હી : આવતીકાલથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. રપમીએ રેલવે અને ર૯મીએ સામાન્ય બજેટ રજૂ થશે. આ દરમિયાન આ સત્ર ભારે હંગામેદાર રહે તેવી સંભાવના છે. સત્ર દરમિયાન જેએનયુ, પઠાનકોટ, રોહિતકાંડ સહિતના મામલાઓ ગરમા-ગરમી પકડે તેવી શકયતા છે. સત્ર માટે શાસક અને વિપક્ષ પોત-પોતાની રણનીતિ ઘડી રહ્યા છે. ચાર મહિના સુધી ચાલનારા સત્રમાં જાટ આંદોલન, જેએનયુ વિવાદ, પઠાણકોટ ત્રાસવાદી હુમલો, દલિત રોહીત વેમુલાની આત્મહત્યા વગેરે મામલે સંસદમાં ઓહાહા અને સંસદમાં દેકારાની શકયતા છે.

જેએનયુ મામલે જબરી ઓહાહા થવાની શકયતા છે. ગત સંસદના સત્રમાં કોઇ કામ થયું ન હતું અને અનેક ખરડાઓ લટકી પડયા હતા. આ સત્ર શાંતિપૂર્વક રીતે ચાલે તેવા પ્રયાસો થઈ રહ્યા છે. સરકાર તમામ મામલે ચર્ચા કરવા માટે તૈયાર છે. સરકાર પાસે રાજયસભામાં બહુમતી નથી જેને કારણે ગયા સત્રમાં અનેક ખરડાઓ પેન્ડિંગ રહી ગયા હતા. આજે સાંજે લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજન અને સંસદીય મંત્રી નાયડુ રાજકીય પક્ષો સાથે બેઠક યોજશે.

કોંગ્રેસે પણ પોતાની રણનીતિ ઘડવા કારોબારી બોલાવી છે. આ દરમિયાન રપમીએ રેલવે બજેટ, ર૬મીએ આર્થિક સમીક્ષા અને ર૯મી ફેબ્રુઆરીના રોજ સામાન્ય બજેટ રજૂ થશે. આવતીકાલે બંને ગૃહોની સંયુકત બેઠકને રાષ્ટ્રપતિ સંબોધન કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સત્રની દિશા ર૪મીએ નક્કી થશે. જયારે જેએનયુ વિવાદ અને રોહીત વેમુલા મામલે ચર્ચા દરમિયાન પીએમ મોદી કંઇક બોલશે. સરકાર રાષ્ટ્ર વિરોધી મામલાને જોરશોરથી ઉઠાવવા માંગે છે.

પીએમએ સંકેત આપ્યો છે કે, જો વિપક્ષ પોતાના વલણ ઉપર અડગ રહે અને ગૃહ ચાલવા ન દયે તો સરકાર પણ નહીં ઝુકે. સત્રના બીજા હિસ્સામાં જીએસટી ખરડો અને રિયલ એસ્ટેટ જેવા મહત્વના ખરડા રાજયસભામાં આવશે. બંને ગૃહમાં કુલ ૧૬ ખરડાઓ પેન્ડિંગ છે. સત્રનો પ્રથમ તબક્કો ર૩ ફેબ્રુઆરીથી ૧૬મી માર્ચ સુધી અને પછી રપ એપ્રિલથી ૧રમી મે સુધી બીજો તબક્કો યોજાશે. જીએસટી ખરડા અંગે કોંગ્રેસ એકલી પડી ગઇ છે અને સરકારને વિશ્વાસ છે કે રાજયસભામાં ટૂંક સમયમાં આ ખરડો પસાર થઇ શકશે તેમ માર્ગ અને શિપિંગ મંત્રી નીતીન ગડકરીએ જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે રાજયસભામાં જીએસટી ખરડો પસાર કરાવવા માટે મોટા પક્ષો ટેકો આપવા તૈયાર છે. ‘મને લાગે છે કે જીએસટી અને અન્ય રાજકીય ખરડાને ટેકો મળશે. મને વિશ્વાસ છે કે પ્રાદેશિક પક્ષોના ટેકાથી અમે ખરડો પસાર કરવામાં સફળ થઇશું.’ મુંબઇમાં પ્રિ-બજેટ બેઠકમાં તેમણે આમ કહ્યું હતું. આ કાર્યક્રમમાં દેશના ટોચના ફંડ મેનેજર્સ, સ્ટ્રેટેજિસ્ટસ અને બ્રોકર્સ ઉપસ્થિત રહ્યાં હતાં. ગડકરીએ આશા વ્યકત કરી હતી કે કોંગ્રેસ આ મુદે સમજદારી અપનાવે તેવી આશા છે.

જીએસટી એ નરેન્દ્ર મોદી સરકારના પોલિસી એજન્ડામાં સૌથી મહત્ત્વની આઇટમ છે. કોંગ્રેસ અને ડાબેરીઓના વિરોધના કારણે રાજયસભામાં આ નાણાકીય સુધારો પસાર થઇ શકયો નથી. જીએસટી બંધારણીય ખરડો હોવાથી બંને ગૃહમાં બે તૃતીયાંશ બહુમતીથી તેને પસાર કરવો જરૃરી છે. રાજયસભામાં એનડીએ પાસે બહુમતી નથી. ગડકરીએ જણાવ્યું હતું કે ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રકચર અને કૃષિ એ સરકારની પ્રાથમિકતા રહેશે.

આ ઉપરાંત રસ્તા અને રેલવે જેવા ઇન્ફ્રાસ્ટ્રકચર માટે ખર્ચ વધારવામાં આવશે. તેમના મંત્રાલયે નાણાં મંત્રાલય પાસેથી રૃ.૬પ,૦૦૦ કરોડની ફાળવણીની માંગણી કરી છે. જે ચાલુ વર્ષમાં કરવામાં આવેલી રૃ.૪પ,૦૦૦ કરોડની ફાળવણી કરતાં વધારે છે. નાણામંત્રી અરુણ જેટલી ર૯ ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે. કૃષિ વિશે વાત કરતાં ગડકરીએ જણાવ્યું હતું કે સિંચાઇની સુવિધામાં સુધારા અને તેના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરાશે.

ખેડૂતોને ચોવીસે કલાક વિજળી પૂરી પાડવી, એગ્રો પ્રોસેસિંગ સુવિધાઓને ઉત્તેજન આપવું વગેરે મુખ્ય મુદ્દા છે. ગડકરીએ જણાવ્યું હતું કે, ‘સિંચાઇ અને ખેડૂતોને ચોવીસ કલાક વીજળી આપવી મહત્ત્વની છે. તેના વગર સરકાર કૃષિ કટોકટીનો અંત નહીં લાવી શકે.’ છેલ્લાં બે વર્ષથી ચોમાસુ નિષ્ફળ રહેવાના કારણે કૃષિ સેકટરમાં ભાર મોટા પડકારનો સામનો કરે છે. મોદી સરકારના મંત્રીઓનું કહેવું છે કે ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં સુધારો અને સિંચાઇની સમસ્યાને હલ કરવી એ બે મુખ્ય પ્રાથમિકતા છે.

You might also like