કાલથી સંસદ સત્ર, નીરવ મોદી પર વિપક્ષને જવાબ આપવા તૈયાર મોદી સરકાર

નવી દિલ્હી: ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયની ચૂંટણીના પરિણામો ભલે ગમે તે આવે પરંતુ સોમવારથી શરૂ થઇ રહેલા સંસદના સત્રમાં કોંગ્રેસનું આક્રમક વલણ યથાવત રહે એવી શક્યતા છે. પાર્ટી નેતાઓનું કહેવું છે કે ભ્રષ્ટાચાર મુદ્દા પર મોદી સરકારને છોડશે નહીં. સંસદમાં ભ્રષ્ટાચારનો મુદ્દો જોરશોરથી ઊઠાવવામાં આવશે.

સૂત્રોનું કહેવું છે કે લોકસભામાં એવા નારા લાગશે કે દેશના ‘ચોકીદાર સૂઇ ગયા, નીરવ મોદી લૂંટીને ભાગી ગયો.’ બજેટ રજૂ થયા બાદ શરૂ થયેલા સંસદ સત્રને લઇને પાર્ટીની રણનીતિકાર ખૂબ જ સંવેદનશીલ છે. એની સાથે જ કોંગ્રેસ રાફેલ ડીલના મુદ્દાને પણ ફરીથી એક વખત ઊઠાવશે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંદી છેલ્લા કેટલાક સમયથી રાફેલ લડાકૂ વિમાન સોદામાં સીધા પ્રધાનમંત્રી મોદીની ભૂમિકાને લઇને પ્રશ્નો ઊઠાવતા રહ્યા છે. જો કે રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે શનિવારે જ સ્પષ્ટ કહ્યું હતું કે રાફેલ સૌદા પર જો કોંગ્રેસ કોઇ પ્રશ્ન ઊઠાવે છે તો એનો જવાબ આપવા એ તૈયાર છે.

તો બીજી બાજુ મોદી સરકાર નીરવ મોદીના જવાબમાં કાર્તિ ચિદંબરમની આઇએનએક્સ મામલામાં થયેલી ધરપકડને કોંગ્રેસના ભ્રષ્ટાચારથી જોડીને આ મુદ્દાને ઊઠાવશે.

You might also like