પેરિસમાં એન્ટી ટેરર ઓપરેશન, બે આતંકીનાં મોત

પેરિસ: પેરિસ હુમલામાં તપાસ કરી રહેલી પોલીસ ટીમે હવે સેન્ટ ડેનિસ વિસ્તારમાં પાડેલા દરોડા દરમિયાન સામસામે ગોળીબારની રમઝટ થઈ હતી. આ દરોડા દરમિયાન બે આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. ઉત્તર પેરિસમાં મોટાપાયે આતંકવાદ વિરોધી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પેરિસ હુમલાના માસ્ટરમાઈન્ડ અબ્દેલહમીદે આત્મહત્યા કર્યાની આશંકા ફ્રાંસના રાજદૂતે વ્યક્ત કરી હતી.

આ સર્ચ ઓપરેશન દરમિયાન ભારે ગોળીબાર થયો હતો. જેમાં જવાબી કાર્યવાહી કરાતા બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. જેમાં એક મહિલા છે. આ મહિલાએ વિસ્ફોટક ભરેલા જેકેટમાં બ્લાસ્ટ કરીને પોતાને ફુંકી મારી હતી. બેલ્જિયમ જેહાદી શખ્સ અબ્દેલ હામિદ અબાઉદને ટાર્ગેટ બનાવી ચલાવવામાં આવેલા આ સર્ચ ઓપરેશન દરમિયાન અથડામણમાં ત્રણ પોલીસ જવાન ઘાયલ થયા હતા.
આ કાર્યવાહી દરમિયાન બે જેહાદીઓને મોતને ઘાટ ઉતારવાની સાથે-સાથે સાતને પકડી લેવાયા હતા. વ્યાપક આતંકવાદ વિરોધી દરોડા પાડવામાં આવ્યા હતા. સેન્ટ ડેનિસ ચર્ચની અંદર હવે ફ્રાંસની પોલીસ ટુકડી ઘુસી ગઈ છે. બીજીબાજુ ફ્રાંસમાં હજુ પણ મોટી સંખ્યામાં શકમંદોની ધરપકડ કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. અબાઉદને પેરિસમાં કરવામાં આવેલા હુમલાના માસ્ટર માઈન્ડ તરીકે ગણવામાં આવે છે.

૧૩/૧૧ હુમલાની તપાસમાં રહેલી ટુકડીએ વહેલી પરોઢે સર્ચ કામગીરી હાથ ધરી હતી. કલાકો સુધી આ સર્ચ ઓપરેશન ચાલ્યું હતું. હવે ઓપરેશન ખતમ થયાની જાહેરાત કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા સાત શકમંદોની પુછપરછ ચાલી રહી છે. પોલીસે એ હુમલાખોરોની તપાસ માટે દરોડા પાડ્યા હતા જે હુમલાખોરોએ હુમલાને અંજામ આપ્યો હતો.  શનિવાર બાદથી સમગ્ર ફ્રાન્સના વિસ્તારોમાં દરોડાની કાર્યવાહી જારી છે. ગુપ્તસ્થળો પર દરોડા પાડી માહિતી એકત્રિત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે શકમંદો પર નજર રાખવામાં આવી રહી છે.

શકમંદ માસ્ટરમાઇન્ડના સંબંધમાં અમેરિકાની ઇન્ટેલિજન્સ સંસ્થાઓએ કહ્યુ છે કે આ શખ્સ એ જ આઇએસ સેલનો સભ્ય છે જેેને તેના દ્વારા પણ શોધવામાં આવી રહ્યો છે. એક હુમલાખોર બેલ્જિયમમાં ફરાર થઇ ગયો હોવાની શંકા રહેલી છે. ફ્રાન્સમાં હજુ પણ વ્યાપક દહેશત લોકોમાં ફેલાયેલી છે.  પેરિસ અને આસપાસના વિસ્તારોમાં કરવામાં આવેલા હુમલામાં કેટલા ત્રાસવાદીઓ સામેલ હતા તે બાબત હજુ સુધી સ્પષ્ટ થઇ નથી. પહેલા કહેવામાં આવ્યુ હતુ કે આઠ બોમ્બરો હતા. જે પૈકી સાત આત્મઘાતી બોમ્બરના મોત થઇ ગયા હતા. જયારે એક ફરાર થઇ ગયો હતો. હવે પોલીસના નિવેદનોમાં પણ ભારે અંતર જોવા મળે છે.

શનિવારે ફ્રાન્સના પાટનગર પેરિસમાં અનેક જગ્યાએ અંધાધુંધ ગોળીબાર અને આત્મઘાતી હુમલાથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યુ હતું. બ્લાસ્ટ એ ગોળીબારની ઘટનાઓમાં ઓછામાં ઓછા ૧૬૦ લોકોના મોત થયા હતા અને ૩૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. બીજા વિશ્વ યુદ્ધ બાદ ફ્રાંસમાં હજુ સુધીના સૌથી મોટા હુમલા તરીકે આને જોવામાં આવે છે.  ઇરાક અને સિરિયામાં છેલ્લા ઘણા સમયથી વર્ચસ્વ ધરાવનાર આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ દ્વારા આ હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી હતી. ફ્રાન્સમાં હાલમાં લોકોમાં વ્યાપક દહેશત દેખાઇ રહી છે. અંધાધુંધીને રોકવા માટે એફિલ ટાવરને બંધ રખાયો છે.

સમગ્ર યુરોપમાં વધુ હુમલાની દહેશત
પેરિસમાં ભીષણ હવાઈ હુમલા કરવામાં આવ્યા બાદ સમગ્ર યુરોપમાં હજુ પણ દહેશત ફેલાયેલી છે. નવેસરના હુમલાઓની સંભાવના પણ દેખાઈ રહી છે. આવી સ્થિતિમાં તકેદારી રાખવામાં આવી રહી છે. યુરોપમાં તમામ દેશોમાં દહેશત દેખાઈ રહી છે. આના ભાગરૃપે જ જર્મનીમાં હેનઓવર ખાતે એક ફુટબોલ મેચ પહેલાં જ શંકાસ્પદ બેગ મળી આવ્યા બાદ મેચને રદ કરી દેવામાં આવી હતી. મેદાનમાં હાજર પ્રેક્ષકોને બહાર કાઢીને વ્યાપક તપાસ કરવામાં આવી હતી. શંકાસ્પદ બેગની વાત બહાર આવતા લોકોમાં ભાગદોડ મચી હતી. આ ઉપરાંત તમામ વિમાની મથકો ઉપર વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.

અમેરિકાને ટાર્ગેટ બનાવવાની ચેતવણી આઈએસ દ્વારા આપવામાં આવી ચુકી છે. ખાસ કરીને વોશિંગ્ટનમાં હુમલા કરવાની ધમકી આઈએસ દ્વારા આપવામાં આવી છે. બીજીબાજુ આતંકવાદીઓએ એવી પણ ચેતવણી આપી છે કે તેમની સામે કાર્યવાહી કરનાર દેશોને પણ ફ્રાંસ જેવા જ હુમલાઓનો સામનો કરવો પડશે. જોકે, યુરોપિયન દેશો આતંકવાદ સામેની લડાઈમાં હવે એક મત દેખાઈ રહ્યા છે.

You might also like