૧૦૦ વર્ષ બાદ પેરિસને મળી ૨૦૨૪ના ઓલિમ્પિકની યજમાની

પેરિસઃ વર્ષ ૨૦૨૪ અને ૨૦૨૮ના ઓલિમ્પિક રમતોત્સવની યજમાનીની જાહેરાત થઈ ગઈ છે. ૨૦૨૪ની યજમાની ફ્રાંસની રાજધાની પેરિસને અને ૨૦૨૮ના ઓલિમ્પિકની યજમાની અમેરિકાના શહેર લોસ એન્જલસને મળી છે. ૧૦૦ વર્ષ બાદ પેરિસ ઓલિમ્પિક રમતોત્સવની યજમાની કરશે. બંને શહેર ૨૦૨૪ના ઓલિમ્પિક રમતોત્સવની યજમાની ઇચ્છતાં હતાં, પરંતુ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) તરફથી ફન્ડિંગની ગેરન્ટી લીધા બાદ લોસ એન્જલસ વધુ ચાર વર્ષ રાહ જોવા તૈયાર થઈ ગયું.

લોસ એન્જલસનું કહેવું હતું કે યજમાની માટે તૈયારીના હિસાબથી તેને તક મળવી જોઈએ, જ્યારે પેરિસનું કહેવું હતું કે અહીં રમતો માટે પ્રસ્તાવિત સ્થળ પુનર્વિકાસને કારણે ૨૦૨૪ બાદ ઉપલબ્ધ નહીં હોય. ૨૦૦૮ અને ૨૦૧૨માં પેરિસ ઓલિમ્પિક રમતોની યજમાનીની દોડમાં સામેલ હતું. પેરિસમાં ૧૦૦ વર્ષ પહેલાં ઓલિમ્પિકનું આયોજન થયું હતું. લોસ એન્જલસમાં બે વાર – વર્ષ ૧૯૩૨ અને ૧૯૮૪માં ઓલિમ્પિકનું આયોજન થઈ ચૂક્યું છે.

હેમ્બર્ગ, રોમ અને બુડાપેસ્ટ શહેરે પોતાનું નામ પાછું ખેંચી લીધા બાદ ૨૦૨૪ના ઓલિમ્પિકની યજમાનીના બે જ ઉમેદવાર હતા -પેરિસ અને લોસ એન્જલસ. આઇઓસીએ જૂનમાં ૨૦૨૪ અને ૨૦૨૮ની યજમાનીની એકસાથે જાહેરાત કરવાનો નિર્ણય લીધો હતો.

You might also like