પેેરિસ કલાઇમેટ એગ્રીમેન્ટમાંથી અમેરિકા બહારઃ ટ્રમ્પની જાહેરાત

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પર્યાવરણના સંરક્ષણ અને જતન માટે થયેલી ઐતિહાસિક પેરિસ સમજૂતીથી અલગ થવાની જાહેરાત કરતાં સમગ્ર વિશ્વ હતપ્રભ બની ગયું છે.

ર૦૧પમાં પેરિસમાં સંયુકત રાષ્ટ્રસંઘની સંસ્થા યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક ફોર કલાઇમેટ ચેન્જ (યુએનએફસીસીસી)ની બેઠક મળી હતી અને આ બેઠકમાં પૃથ્વી પર વધી રહેલા કાર્બન ડાયોકસાઇડ સહિતના પ્રદૂષિત વાયુઓનું ઉત્પાદન કઇ રીતે ઘટાડવું તે અંગે સર્વાનુમતે પૃથ્વીના પર્યાવરણ સંરક્ષણ અંગેનો એક દસ્તાવેજ તૈયાર કરવામા આવ્યો હતો, જે પેરિસ કલાઇમેટ એકોર્ડ કે એગ્રીમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં અમેેરિકાએ પણ સહી કરી હતી. વિશ્વના ૧૯૬ દેશ આ બેઠકમાં હાજર રહ્યા હતા.

આ અંગે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં બોલાવેલી પત્રકાર પરિષદમાં જાહેરાત કરતાં જણાવ્યું હતું કે અમારા નાગરિકોના સંરક્ષણ માટેના અમારા ગંભીર કર્તવ્યોને પૂરા કરવા માટે અમેરિકા પેરિસ ક્લાઇમેટે એગ્રીમેન્ટમાંથી હટી જાય છે અને અમે હવે ફરીથી આ અંગે વાતચીત શરૂ કરીશું. આમ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પેરિસ કલાઇમેટમાંથી હટી જવાની જાહેરાત કરીને ‘અમેરિકા ફર્સ્ટ’ના ચૂંટણી વચનોને પૂરાં કર્યાનો દાવો કર્યો છે.

અમેરિકાના કામદારો અને કર્મચારીઓનાં હિતોનાં રક્ષણ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની જાહેરાત રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ તેમની આ જાહેરાતને આવકારી હતી. ખાસ કરીને જ્યાં કોલસાની ખાણો આવેલી છે તે વિસ્તારો અને તેના બંધ થવાથી જે લોકો બેરોજગાર થયા છે તેમણે ટ્રમ્પની આ આર્થિક રાષ્ટ્રવાદની જાહેરાતની પ્રશંસા કરી હતી. જોકે ડિપ્લોમેટિક, સંરક્ષણ અને કલાઇમેટ ચેન્જના ખ્યાતનામ નિષ્ણાતોએ જણાવ્યું છે કે અમેરિકાના આ પગલાંથી ભવિષ્યના અર્થતંત્રની કમાન કોઇ બીજાના હાથમાં સોંપી દેશે, એટલુ જ નહીં અમેરિકાનાં હિતોને નુકસાન થશે.

જર્મની, ફ્રાન્સ અને ઇટાલી જેવા યુરોપીયન દેશોએ કોઇપણ સંજોગોમાં આ સમજૂતી અકબંધ રાખવાની માત્ર જાહેરાત જ કરી નથી, પરંતુ વિકાસશીલ દેશોને આ સમજૂતી સાથે જોડેલા રાખવા માટે જે આર્થિક મદદની ખાતરી આપી હતી તે ચાલુ રાખવાની જાહેરાત કરી છે. ભારત અને ચીને અમેરિકા વગર પણ આ સમજૂતી સાથે જોડાઇ રહેવાની જાહેરાત કરી છે.

રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના ઓઇલ અને કોલસા ઉદ્યોગને મજબૂત કરવા માટે રાષ્ટ્રપ્રમુખ બન્યાના ૧૦૦ દિવસમાં પેરિસ સમજૂૂતી રદ કરવાના શપથ પોતાના પ્રચાર અભિયાન દરમિયાન લીધા હતા. પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયને વખોડી કાઢતાં જણાવ્યું હતું કે અમેરિકા કલાઇમેટ સમજૂતીનું પાલન નહીં કરીને ભવિષ્યની પેઢીના ભવિષ્યને નુકસાન પહોંચાડશે. અમેરિકાની પર્યાવરણ સુરક્ષા એજન્સીના પ્રશાસક સ્કોટ ક્રૂઇટે જણાવ્યું હતું કે કલીન પાવર પ્લાન આ નિર્ણયથી નિષ્ફળ જશે.
http://sambhaavnews.com/

You might also like