પેરિસ હુમલાના માસ્ટર માઇન્ડનુ મોત થયું છે

વોશિગ્ટન : પેરિસમાં ભીષણ ત્રાસવાદી હુમલા માટે જવાબદાર અને ખતરનાક માસ્ટરમાઇન્ડ અબ્દેલ હામીદ આબાઉદનુ મોત થઇ ચુક્યુ છે તેવો ચોંકાવનારો ધડાકો વોશિગ્ટન પોસ્ટે કર્યો છે. આ અખબારે બે ગુપ્ત અધિકારીઓને ટાંકીને આ અંગેની વાત કરી છે. વોશિગ્ટન પોસ્ટ દ્વારા ગુપ્તચર અધિકારીોની નાગરિકતા સહિત અન્ય કોઇ પ્રકારની માહિતી આપી નથી પરંતુ કહ્યુ છે કે પેરિસ હુમલાનો માસ્ટરમાઇન્ડ મરી ચુક્યો છે.
અખબારે એમ પણ કહ્યું છે કે પેરિસના ઉપનગરીય વિસ્તારમાં કલાકો સુધી ચાલેલા સર્ચ ઓપરેશન દરમિયાન ઇમારતમાંથી જે કઇ ચીજવસ્તુ મળી છે તેને તપાસ અર્થે ફોરેન્સિક નિષ્ણાંતોને મોકલી દેવામાં આવી છે. અબ્દેલ હામીદના મોતના મામલે ખાતરી કરવા માટે ડીએનએ ટેસ્ટ પણ

કરવામાં આવી શકે છે.
એમ માનવામાં આવે છે કે પેરિસમાં હુમલો કરવામાં આવ્યા બાદ જે શકમંદો એક એપોર્ટમેન્ટમાં સંતાઇ ગયા હતા તેમાં આઇએસનો ૨૮ વર્ષીય અબાઉદ પણ હતો. આ અગાઉ ફ્રાન્સના રાજદુતે એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે પેરિસમાં હુમલાના માસ્ટરમાઇન્ડ બેલ્જિયમના અબાઉદે પોલીસના દરોડા દરમિયાન આત્મહત્યા કરી લીધી હતી. ગઇકાલે પેરિસ હુમલામાં તપાસ કરી રહેલી પોલીસ ટીમે હવે સેન્ટ ડેનિસ વિસ્તારમાં પાડેલા દરોડા દરમિયાન સામસામે ગોળીબારની રમઝટ થઈ હતી. આ દરોડા દરમિયાન બે આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા.
ઉત્તર પેરિસમાં મોટાપાયે આતંકવાદ વિરોધી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન ભારે ગોળીબાર થયો હતો. જેમાં જવાબી કાર્યવાહી કરાતા બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. જેમાં એક મહિલા છે. આ મહિલાએ વિસ્ફોટક ભરેલા જેકેટમાં બ્લાસ્ટ કરીને પોતાને ફુંકી મારી હતી. બેલ્જિયમ જેહાદી શખ્સ અબ્દેલ હામિદ અબાઉદને ટાર્ગેટ બનાવીને ચલાવવામાં આવેલા આ સર્ચ ઓપરેશન દરમિયાન અથડામણમાં ત્રણ પોલીસ જવાન ઘાયલ થયા હતા.
બીજી બાજુ ફ્રાંસમાં હજુ પણ મોટી સંખ્યામાં શકમંદોની ધરપકડ કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. અબાઉદને પેરિસમાં કરવામાં આવેલા હુમલાના માસ્ટર માઈન્ડ તરીકે ગણવામાં આવતો હતો. તેનુ મોત થઇ ગયુ છે કે તે જીવિત છે તેને લઇને હજુ પણ સસ્પેન્સની સ્થિતી છે.
ગઇકાલે ૧૩/૧૧ હુમલાની તપાસમાં રહેલી ટુકડીએ વહેલી પરોઢે સર્ચ કામગીરી હાથ ધરી હતી. કલાકો સુધી આ સર્ચ ઓપરેશન ચાલ્યું હતું. શનિવારે ફ્રાન્સના પાટનગર પેરિસમાં અનેક જગ્યાએ અંધાધુંધ ગોળીબાર અને આત્મઘાતી હુમલાથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યુ હતું. બ્લાસ્ટ એ ગોળીબારની ઘટનાઓમાં ઓછામાં ઓછા ૧૬૦ લોકોના મોત થયા હતા અને ૩૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.

You might also like