પેરિસ હુમલાનો શિકાર મહિલાના પતિએ આતંકીઓને લખ્યું, ‘તમારે હારવું જ પડશે’

પેરીસ: પેરિસ આતંકી હુમલામાં એન્ટોઇ લેઇરીસે તેની ૩પ વર્ષીય પત્નીને ગુમાવી દીધી છે. તેમ છતાં પણ એન્ટોઇના મનમાં આતંકવાદીઓને લઇને કોઇ નફરત નથી. તેણે લખેલો એક મેસેજ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. તેમાં તેણે આતંકવાદીઓને કહ્યું છે કે મને તમારાથી નફરત નથી, પરંતુ તમારે હારવું જ પડશે.

ફેસબુક લેઇરીસની આ પોસ્ટ વાઇરલ થઇ રહી છે. લેઇરીસે પોતાના મેસેજમાં લખ્યું છે કે શુક્રવારે રાત્રે તમે લોકોએ મારી જિંદગીમાંથી એક અદભુત વ્યકિતને અલગ કરી દીધી. મારી જિંદગીનો પ્રેમ અને મારા પુત્રની માતા. જોકે આમ છતાં પણ તમે મારી નફરતના હકદાર નથી. હું જાણતો નથી કે તમે કોણ છો? હું તમને ઓળખવા પણ ઇચ્છતો નથી. તમારો આત્મા મરી ચૂકયો છે.

લેઇરીસે લખ્યું છે કે હું તમને નફરત કરવાની ભેટ નહીં આપું. ગુસ્સાની સાથે નફરત કરવાનો ભાવ પણ મને તમારા જેવો બનાવી દેશે. તમે મને ડરાવવા ઇચ્છો છો, પરંતુ તમારે હારવું જ પડશે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે આઇઅેસ આતંકવાદીઓએ પેરિસમાં હુમલા કર્યા. જેમાં ૧પ૮ કરતાં વધુ લોકો મૃત્યુ પામ્યા હતા અને ૩૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ પોસ્ટને ગઇ કાલે એક લાખ વખત શેર કરવામાં આવી હતી.

લેઇરીસે ફ્રેન્ચમાં લખેલા પોતાના મેસેજમાં લખ્યું છે કે એ રાત્રે ઘણી રાહ જોયા બાદ હું આખરે છેક સવારે મારી પત્ની હેલનને જોઇ શકયો. તે એટલી જ સુંદર લાગી રહી હતી જેટલી શુક્રવારે સાંજે મારાથી દૂર જતી વખતે હતી. તે એટલી જ સુંદર હતી જ્યારે ૧ર વર્ષ પહેલાં હું તેના પ્રેમમાં પડયો હતો. હું ખૂબ જ દુઃખી છું, પરંતુ હું આ નાનકડી જીત માટે તમને છોડું છું, પરંતુ તમારી આ જીત ખૂબ જ ઓછા સમય સુધી ટકશે. હું જાણું છું કે મારી પત્ની મારી સાથે રોજ રહેશે અને અમે બંને એકબીજાને સ્વર્ગમાં મળીશું. હું અને મારો પુત્ર આજે પણ દુનિયાની તમામ ફોજની સરખામણીમાં મજબૂત છીએ. તેથી હું તમારી ઉપર મારો સમય બરબાદ કરવા ઇચ્છતો નથી. મારે મારા પુત્ર પાસે જવું પડશે. તે પોતાની ઊંઘમાંથી ઊઠી ગયો છે. તે માત્ર ૧૭ મહિનાનો છે. તે બાકી દિવસોની જેમ ખાવાનું ખાશે ત્યાર બાદ અમે બંને કોઇ અન્ય દિવસની જેમ સાથે રમીશું.

You might also like