ઉપલેટાના ખાખીજાળિયાનો બનાવઃ પરિણીતાએ બે સંતાનો સાથે કર્યું અગ્નિસ્નાન

રાજકોટના ઉપલેટા તાલુકાના ખાખીજાળિયા ગામે રહેતી પરિણીતાએ બે માસૂમ સંતાનો સાથે અગ્નિસ્નાન કરી લીધું હોવાનો બનાવ બનતાં ચકચાર મચી ગઈ છે. રક્ષાબંધનના પર્વ નિમિત્તે પિયર જવાની ના કહેતાં પરિણીતાએ પગલું ભરી લીધાની શંકા સેવાઇ રહી છે. આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ ખાખીજાળિયા ગામે રહેતાં લીલાબહેન જીતેન્દ્રભાઇ કમ્બો‌િડયા (ઉ.વ.૩૦) અને તેમના બે પુત્ર રાજ (ઉં.વ.પ) તથા મનીષ (ઉં.વ.૩) સાથે શુક્રવારે સાંજે પાંચેક વાગ્યે પોતાના ઘરે ભેદી સંજોગોમાં સળગેલી હાલતમાં મળી આવ્યાં હતાં.

ત્રણેયને ઉપલેટાની ખાનગી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં, જ્યાં ફરજ પરના તબીબે ત્રણેયને મૃત જાહેર કર્યાં હતાં. બનાવની જાણ થતાં જેતપુર ડીવાયએસપી ભરવાડ સહિતનો કાફલો ખાખીજા‌િળયા ગામે દોડી ગયો હતો.

પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ લીલાબહેન અને તેમના બે પુત્ર પ્રાઇમસ ફાટતાં દાઝી ગયાંની તેમના પતિ જીતેન્દ્રએ પોલીસમાં પ્રાથમિક જાણ કરી હતી, પરંતુ પોલીસે સ્થળ પર તપાસ કરતાં લીલાબહેને બે પુત્રને સળગાવી પોતે અગ્નિસ્નાન કરી લીધું હતું. લીલાબહેને રક્ષાબંધન નિમિત્તે પિયર જવાની તૈયારી કરી હતી.

રક્ષાબંધનના પર્વ પર પિયર જવાની ના કહેતાં તેમણે અા પગલું ભરી લીધાની શંકા છે, જોકે મૃતક લીલાબહેનના પતિ તેમજ તેમનાં પિય‌િરયાંઓની પૂછપરછ બાદ સાચી હકીકત બહાર આવશે.

ત્રણેય મૃતદેહનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવવાની પોલીસે તજવીજ શરૂ કરી હતી. બનાવથી ખાખીજા‌િળયા ગામમાં ગમગીની છવાઇ ગઇ હતી. જેતપુર પોલીસે આ અંગે હાલ વધુ તપાસ શરૂ કરી દીધી છે.

You might also like