ગર્ભવતી છતાં ઘરકામ માટે જબરદસ્તી કરાતાં પરિણીતાએ આપઘાત કર્યો

અમદાવાદ: ઘાટલોડિયાના ગોપાલ નગરમાં રહેતી ગર્ભવતી પરિણીતાએ ચાર દિવસ પહેલાં સાસરીમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પતિ-સાસુ અને દિયર દ્વારા સમૂહ લગ્નમાં લગ્ન કરાવવા તથા પરિણીતા ગર્ભવતી હોઇ અને તેનાથી કામ ન થતું હોવા છતાં જબરદસ્તી ઘરનું કામ કરાવીને દવાના પૈસા બાબતે મહેણાટોણા મારી માનસિક ત્રાસ અપાતાં પ‌રિણીતાએ આત્મહત્યા કરી લીધી હતી. મૃતક પરિણીતાની માતાએ આ અંગે પતિ-સાસુ અને દિયર સામે ઘાટલો‌ડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઘીકાંટાના ગોસ્વામી મહારાજના વંડામાં રહેતાં વસંતીબહેન મૂકેશભાઇ ડાભી (દરજી)ની દીકરી દેવયાની (ઉંં.વ.૨૪)નાં લગ્ન તા.૩૧-૧૨-૨૦૧૭ના રોજ ઘાટલો‌ડિયાના ગોપાલનગર ખાતે રહેતા દિનેશભાઇ મઘાભાઇ દરજી સાથે રાણીપ ખાતે આવેલ રામજી મંદિરમાં સમૂહ લગ્નમાં કર્યાં હતાં.

લગ્નના એકાદ મહિના બાદ દેવયાનીએ તેની માતાને જણાવ્યું હતું કે તેનાં સાસુ ધનીબહેન અને દિયર અવારનવાર મારાં લગ્ન સમૂહલગ્નમાં કરાવ્યાં તે બાબતે મહેણાં મારે છે. ગત મે મહિનામાં દેવયાની પ્રેગ્નન્ટ હોઈ ડોક્ટર પાસે તપાસ કરાવવા પિયરમાં આવી હતી.

ડૉક્ટરે તેને બીજા દિવસે સવારે બતાવવા આવવાનું જણાવ્યું હતું, જોકે દિનેશે દેવયાનીને તાત્કાલિક ઘરે આવી જવાનું કહીને તું ત્યાં રહીશ તો અહીં ઘરનું કામકાજ કોણ કરશે તેમજ તું આટલા મોંઘા ડોક્ટર પાસે દવા કરાવે છે તો દવાના પૈસા કોણ આપશે તેમ જણાવી દેવયાનીને જેમ ફાવે તેમ બોલવા લાગતાં દેવયાની રડવા લાગી હતી.

આઠ દિવસ અગાઉ દેવયાનીએ તેની માતાને ફોન કરીને જાણ કરી હતી કે તેનાં સાસુ-સસરા દ્વારકા ખાતે જાય છે અને મને શરીરમાં અશક્તિ જેવું હોઇ મારાથી કામ થતું નથી તેમ છતાં મારાં સાસુ મારી પાસે ઘરનું કામકાજ કરાવે છે.

વસંતીબહેને દેવયાનીનાં સાસુ સાથે વાતચીત કરીને બે-ચાર દિવસ આરામ કરવા પિયર મોકલી આપો તેમ કહ્યું હતું. ઘરનું કામ તો દેવયાની જ કરશે અને તે તમારા ઘરે આવશે નહીં તેમ જણાવી ધનીબહેને ફોન કાપી નાખ્યો હતો. ગત ૧૧ જૂનના રોજ દેવયાનીએ તેના ઘરે બપોરના સમયે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘાટલોડિયા પોલીસે હાલ ગુનો નોંધી આરોપી સાસરિયાંઓને ઝડપવા તજવીજ હાથ ધરી છે.

You might also like