રાયપુર દરવાજાની ઘટનાઃ પરિણીતાઅે ફાંસો ખાધો કે હત્યા?

અમદાવાદ: રાયપુર દરવાજા પાસે આવેલા ચૂનારાવાસમાં રહેતી એક પરિણીતાએ ગળેફાંસો ખાઇને કરેલી આત્મહત્યાના ચકચારી કિસ્સામાં પોલીસે પતિ અને સાસુ વિરુદ્ધમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. પરિણીતાની આત્મહત્યા બાદ તેના ગળાના ભાગે નિશાન (લીગેટર માર્ક) ઓછાં આવતાં એફએસએલને શંકા જતાં પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પરિણીતાની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કળિઠા ગામમાં રહેતા અરવિંદભાઇ કાળુભાઇ ચૂનારાએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં જમાઇ અને વેવાણ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ કરી છે. એક વર્ષ પહેલાં અરવિંદભાઇની પુત્રી અંજલિનાં લગ્ન રાયપુર દરવાજા પાસે આવેલ ચૂનારાવાસમાં રહેતા અનિલ જગદીશભાઇ ચૂનારા સાથે થયાં હતાં.

લગ્ન બાદ કોઇ પણ નાની નાની બાબતે અંજલિ અને તેની સાસુ જનકબહેન વચ્ચે બોલાચાલી થતી હતી. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે અંજલિને પિયરમાં જતાં રહેવાનું કહીને અનિલ અને જનકબહેન મારઝૂડ પણ કરતાં હતાં.

ગઇ કાલે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. કાગડાપીઠ પોલીસને થતાં તે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને તપાસ શરૂ કરી હતી. અંજલિનાં મોત મામલે પોલીસને શંકા થતાં તેણે એફએસએલની ટીમને બોલાવી હતી. FSL ટીમના સાયન્ટિફિક ઓફિસર એમ.કે.રાણાએ જણાવ્યું છે કે અંજલિએ આત્મહત્યા કરી ત્યારબાદ તેના ગળામાં નિશાન હોવાં જોઇએ તેટલાં નથી.

ગળામાં પડેલાં નિશાન શંકાસ્પદ હોતાં પોલીસે આ મામલે ધ્યાન દોર્યું છે. ત્યારે કાગડાપીઠ પોલીસે અંજલિનાં મોત મામલે અનિલ અને જનકબહેન વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

અંજલિનાં મોતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. પહેલેથી અંજલિની લાશને પરિવારજનોએ નીચે ઉતારી દીધી હતી. ત્રણ માળના મકાનમાં અંજલિએ ક્યા સ્પોટ પર લટકીને આત્મહત્યા કરી તે બાબતે પરિવારજનોએ અલગ નિવેદનો આપતાં પોલીસને શંકા ગઇ હતી.

You might also like