પાકિસ્તાનમાં અનુષ્કાની ‘પરી’ પર બેન, મારી પત્નીનું બેસ્ટ કામઃ વિરાટ

મુંબઇ, શનિવાર

પાકિસ્તાનમાં અનુષ્કા શર્માની ફિલ્મ ‘પરી’ બેન કરી દેવાઇ છે. પાકિસ્તાન મીડિયાના જણાવ્યા અનુસાર ત્યાંના સેન્સર બોર્ડે કહ્યું કે તેની સ્ક્રિપ્ટ અને ડાયલોગ ઇસ્લામિક માન્યતાઓની વિરુદ્ધ છે.

બીજી તરફ વિરાટ કોહલીએ ફિલ્મમાં અનુષ્કાનાં કામનાં ખૂબ જ વખાણ કર્યાં છે. તેણે ટ્વિટ કર્યું છે કે ‘પરી’ મારી પત્નીનું અત્યાર સુધીનું સૌથી બેસ્ટ કામ છે. ઉલ્લેખનીય છે કે ‘પરી’ ફિલ્મ શુક્રવારે દેશભરના થિયેટરમાં રિલીઝ થઇ હતી. પાક. મીડિયાના જણાવ્યા મુજબ ત્યાંના ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર સેન્સર બોર્ડના નિર્ણય સાથે સહમત છે.

ફિલ્મ ડિસ્ટ્રિબ્યૂશન એસોસિયેશનના ચેરમેન ચૌધરી એઝાઝ કામરાએ કહ્યું કે કોઇ પણ ફિલ્મ જે આપણા કલ્ચર અને ઇસ્લામિક ઇતિહાસની વિરુદ્ધ હોય તેની પર પ્રતિબંધ મૂકવો જોઇએ.

પાક. મીડિયાએ સેન્સર બોર્ડનાં સૂત્રોનાં માધ્યમથી જણાવ્યું કે ફિલ્મમાં કુરાનની આયાતોને હિંદુ મંત્રો સાથે મિકસ કરાયેલ છે. તેમાં કુરાનની આયાતોનો કાળા જાદુ માટે ઉપયોગ કરતાં મુસ્લિમોને નકારાત્મક રીતે રજૂ કરાયા છે.

ઉલ્લેખનીય છે કે ‘પરી’ ફિલ્મ અનુષ્કાના પ્રોડકશન હાઉસ કલીન સ્લેટ ફિલ્મ્સ અને ક્રિયાર્ઝ એન્ટરટેઇનમેન્ટે પ્રોડયૂસ કરી છે. ફિલ્મનું ડિરેકશન પ્રોસિત રોયે કર્યું છે. એનએચ-૧૦ અને ફિલ્લોરી બાદ અનુષ્કાની પ્રોડયૂસર તરીકેની આ ત્રીજી ફિલ્મ છે.

વિરાટે ટ્વિટમાં શું કહ્યું?
વિરાટે ટ્વિટ કર્યું કે, ગઇ રાત્રે ‘પરી’ ફિલ્મ જોઇ. તે મારી પત્નીનું અત્યાર સુધીનું સૌથી બેસ્ટ કામ છે. મારી જોયેલી અત્યાર સુધીની સૌથી સારી ફિલ્મોમાંની એક છે. ખૂબ જ ડર લાગ્યો, પરંતુ અનુષ્કા તારી પર ગર્વ છે.

You might also like