વિપક્ષના નેતા પરેશ ધાનાણી ગાંધી આશ્રમ ખાતે 72 કલાકના ઉપવાસ પર

અમદાવાદ: રૂ.ચાર હજાર કરોડના કથિત મગફળી કૌભાંડના મામલે ન્યાયિક તપાસની માગ કરનાર કોંગ્રેસ દ્વારા આગામી ચોમાસુ સત્રમાં વિધાનસભાનો ઘેરાવ કરવાની ગઇ કાલે જાહેરાત કરાઇ હતી. ગઇ કાલે કલેકટર કચેરી ખાતે ધરણાં-પ્રદર્શન યોજ્યા બાદ આજ સવારથી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા ગાંધી આશ્રમ ખાતે ૭ર કલાકના ઉપવાસ આંદોલન શરૂ કરાયું છે. જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના અાગેવાનો જોડાયા છે.

દરમ્યાન રાજ્ય સરકાર પર કૌભાંડીઓને છાવરવાનો આક્ષેપ કરતાં પરેશ ધાનાણીએ સમગ્ર કાંડ મામલે ન્યાયિક તપાસ કરાવવાની માગણી કરી છે. ગઇ કાલે કોંગ્રેસ દ્વારા કલેકટર કચેરી ખાતે ધરણાં-દેખાવો કરાયા હતા. કથિત મગફળી કૌભાંડની ન્યાયિક તપાસની માગણી કરનાર પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે જ્યાં સુધી મગફળી કૌભાંડમાં તમામ ભ્રષ્ટાચારી-ચોરો પકડાય નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ રખાશે.

તેમજ આગામી વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાનસભાને ઘેરાવ કરવાનો કાર્યક્રમ આપવાની પણ જાહેરાત કરાઇ હતી. તે વખતે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જો હાઇકમાન્ડ મંજૂરી આપશે ગાંધી આશ્રમ ખાતે છેલ્લા શ્વાસ સુધી ઉપવાસ આંદોલન કરવાની જાહેરાત કરી હતી.ગઇ કાલે સાંજે સાંજે હાઇકમાન્ડ દ્વારા પરેશ ધાનાણીને ગાંધીનગર ખાતે ઉપવાસ આંદોલન કરવાની પરવાનગી અપાઇ હતી.

આજે સવારના નવ વાગ્યાથી ગાંધી આશ્રમ ખાતે પરેશ ધાનાણીએ મગફળી કૌભાંડમાં ન્યાયિક તપાસની માગણી સાથે ૭ર કલાકના ઉપવાસ આંદોલનનો પ્રારંભ કર્યો છે. તંત્ર દ્વારા ૧૮મી ઓગસ્ટની સાંજે છ વાગ્યા સુધી ઉપવાસ આંદોલનને પરવાનગી અપાઇ હોવાનું દાણીલીમડાના ધારાસભ્ય શૈલેશ પરમાર જણાવે છે.

આ દરમ્યાન પરેશ ધાનાણીના ઉપવાસ આંદોલનમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ ઉપરાંત જગદીશ ઠાકોર, રાજુ પરમાર, પૂંજાભાઇ ગામિત, શશીકાંત પટેલ, દિનેશ શર્મા વગેરે આગેવાનો જોડાયા છે.

You might also like