ફી અંગે વાલીઅો જાગ્યા, ખાનગી શાળાઅોની મનમાની સામે મોરચો

અમદાવાદ: રાજ્યભરમાં તમામ ખાનગી શાળાઅો માટે ફી નિર્ધારણ કાયદો અમલી બની ગયો છે. પરંતુ તેના નીતિ-નિયમો અને કમિટીનું માળખું જાહેર થાય તે પહેલાં ખાનગી શાળાના સંચાલકો આજે પણ મનમાની કરીને કાયદાની છટકબારીનો લાભ લઇ હાલનાં ધોરણ મુજબની ફી ઉઘરાવી રહ્યા છે. ઘાટલોડિયા ખાતે આવેલી અમ્રિતા શાળાના સંચાલકોએ સીબીએસઇના નામે ફી ઉઘરાવવાનું શરૂ કરતાં વાલીઓએ સવારથી જ શાળા સંચાલકો સામે વિરોધ સાથે મોરચો માંડ્યો છે. એટલું જ નહીં બોપલ ખાતેની ડીપીએસ શાળાની બહાર પણ કોરા ચેક સાથે વધુ વાલીઓ એકઠા થયા છે. જુદાં જુદાં મથાળાં હેઠળ ખર્ચના નામે શાળા સંચાલકો પૈસા ઉઘરાવતા હોવાનો વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે.
ફી નિર્ધારણના કાયદા હેઠળ જ ફીની ચૂકવણી કરવા માટે વાલીઓ અમ્રિતા સ્કૂલ ખાતે રૂ.૩,૭પ૦નો ચેક લઇને જ શાળાએ પહોંચી ગયા હતા. ગત વર્ષે ઘાટલોડિયા વિસ્તારની ત્રિપદા શાળાના સંચાલકોએ ફીમાં ૧૩ ટકાનો વધારો કરતાં વાલીઓએ હોબાળો મચાવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે જાહેરાત કરી છે કે ફી નિર્ધારણ સમિતિ જ્યાં સુધી અમલી ન બને ત્યાં સુધીના સમયગાળા દરમ્યાન વાલીઓએ નવા શૈક્ષણિક વર્ષ માટે ત્રણ મહિનાની ફી ચૂકવણી કરવી. જો શાળા કક્ષાએ વધુ ફી લેવામાં આવી હશે તો સંચાલકોએ વધારાની ફી સરભર કરી આપવી પડશે. ૧ર એપ્રિલના રોજ સેલ્ફ ફાઇનાન્સ ફી રેગ્યુુશન એક્ટને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી પણ મળી ચૂકી છે.

અમ્રિતા સ્કૂલ સામે વાલીઓની ફરિયાદ છે કે આ શાળાના સંચાલકો જુદી જુદી ફી જેવી કે કમ્પ્યૂટર ફી, રમતગમત, લાઇબ્રેરી, પર્સનલ ટ્યૂશન વગેરે માટે ફીના મુદ્દે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. આ અંગે અમદાવાદ શહેરના ડીઇઓ એન.પી. મહેતાએ જણાવ્યું હતું કે, વાલીઓની ફરિયાદ ઉપરાંત મોનિટરિંગ દ્વારા આ રીતે જુદાં જુદાં બહાનાં હેઠળ બેફામ ફી ઉઘરાવતી શાળાઓ સામે કડક પગલાં લેવામાં આવશે.

યુનિફોર્મ, શુઝ, નોટબુક, પુસ્તકો વગેરેના નામે શાળાઓનો ધંધો બંધ થશે તે બાબતે શિક્ષણ વિભાગના અગ્ર સચિવ સુનયના તોમરે જણાવ્યું હતું કે આ તમામ બાબતોનો ફી નિયમન સમિતિ નક્કી કરે તે ફીમાં સમાવેશ થઇ જશે જેમાં યુનિફોર્મ અને ટેકસબુકની ફી પણ સામેલ હશે. ફી નિયમન કમિટીની રચના પહેલાં શાળા સંચાલકો યેનકેન પ્રકારેણ ફી વસૂલી લેવા મેદાને પડ્યા છે. જેનો વાલીઓ ભરપુર વિરોધ કરી રહ્યા છે.

બોપલ ખાતે અાવેલી ડીપીએસની બહાર પણ ૧૦૦થી વધુ વાલીઓએ હાથમાં કોરા ચેક સાથે દેખાવો કર્યા છે. વાલીઓનું કહેવું છે કે નવા કાયદા મુજબ તેઓ ફી ચૂકવવા તૈયાર છે. પરંતુ જુદા જુદા મથાળાં હેઠળ ફી વધારા સાથે કોઇપણ વધારાની રકમ ચૂકવવા તૈયાર નથી. ડીપીએસ શાળાના સંચાલકોએ વાલીઓને શાળા સંકુલમાં પ્રવેશવા દીધા ન હતા.

http://sambhaavnews.com/

You might also like