સગીર ચાલક અકસ્માત કરશે તો તેના વાલીને દંડ અથવા સજા થશે

નવી દિલ્હી: લોકસભામાં ગઈ કાલે રજૂ થયેલા સંશોધિત મોટર વિહિકલ એક્ટમાં જોગવાઈ કરવામાં આવી છે કે જો દારૂ પીધેલી હાલતમાં અકસ્માત સર્જાશે તો તે કેસમાં વીમા કંપની તરફથી કોઈ વળતર ચૂકવવામાં નહિ આવે તેમજ અકસ્માત સર્જનારે નુકસાનની રકમ ભરવી પડશે તેમજ સગીર વયના ચાલક દ્વારા અકસ્માત થાય તો તેવા કેસમાં તેમના વાલીને દંડ અથવા સજા થઈ શકશે.

આ અંગે નિષ્ણાતોએ એવી આશંકા વ્યક્ત કરી છે કે હવે નવી જોગવાઈના કારણે અકસ્માતનો ભોગ બનનારાને ઓછું વળતર મળશે, કારણ આવી સ્થિતિમાં અકસ્માત સર્જનાર આરોપી ડ્રાઈવરની આવક અને તેની આર્થિક સ્થિતિ પર આધા‌િરત રહેશે. ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલી બાબતોના વિચારક આઈએફટીઆરટીના એસ. પી. સિંહે જણાવ્યું કે સરકાર આવી જોગવાઈ કેમ લાવી રહી છે. સરકારને ડ્રાઈવરની આવક અંગે જાણકારી છે જ. આવી જોગવાઈથી વીમા કંપનીઓને આડકતરી રીતે ફાયદો થશે. દારૂ પીધેલી હાલતમાં ડ્રાઈવર પકડાય તે સરકાર અને તંત્રની નિષ્ફળતા સમાન બાબત છે.

આ બિલમાં સગીર વયના ડ્રાઈવર, ઝડપથી વાહન ચલાવનારાઓને મોટી રકમની પેનલ્ટી લગાવવી, જેલમાં મોકલવા અને લાઈસન્સ રદ કરવા જેવી વિવિધ જોગવાઈ છે. આ ઉપરાંત કાનૂન વ્યવસ્થાને જાળવવાની જવાબદારી નિભાવતા લોકો પર ગુનાની સ્થિતિમાં બેવડી પેનલ્ટી લગાવવાની જોગવાઈ છે તેમજ ઓનલાઈન ટેકસી સર્વિસને રેગ્યુલેટ કરવાના નિયમ પણ સામેલ છે. આ ઉપરાંત દારૂ પીને વાહન ચલાવનારને 10 હજારનો દંડ થઈ શકે છે તેમજ કોઈ સગીરના હાથે અકસ્માત સર્જાશે તો તેના વાલીઓને 25 હજારનો દંડ અથવા ગંભીર અકસ્માતમાં ત્રણ વર્ષની જેલની સજા થઈ શકે છે, જ્યારે હેલ્મેટ નહિ પહેરનારાને 2500 અને સિગ્નલ તોડવા બદલ 1000નો દંડ ચૂકવવો પડશે તેમજ વધુ ગુનામાં લાઈસન્સ રદ પણ થઈ શકે છે. આ ઉપરાંત સીટ બેલ્ટ નહિ લગાવવા બદલ 1000 અને વાહન ચલાવતાં મોબાઈલ પર વાત કરવા બદલ 5000નો દંડ થશે.

http://sambhaavnews.com/

You might also like