માતા-પિતાની કરપીણ હત્યા કરી પુત્રએ ગળાફાંસો ખાઈ અાપઘાત કરી લેતાં અરેરાટી

અમદાવાદ: રાજકોટના કોઠા‌િરયા રોડ પર અાવેલા ગણેશનગરમાં એક યુવાને પોતાના માવતરની કરપીણ હત્યા કરી પોતે પણ અાત્મહત્યા કરી લેતાં અા ઘટનાએ ભારે અરેરાટી ફેલાવી છે. પોલીસે જુદી જુદી થિયરીથી તપાસ શરૂ કરી છે, પરંતુ અા પ્રકરણ પાછળનું રહસ્ય હજુ અકબંધ છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે રાજકોટમાં કોઠા‌િરયા રોડ પર વિવેકાનંદ સ્કૂલ પાસે અાવેલ ગણેશનગર શેરી નં.૫માં રહેતા અને હરિદ્વાર રોડ પર ગણેશ મદ્રાસ કાફે નામનું રેસ્ટોરાં ધરાવતા જયદીપ રાઠોડે તેની ૫૫ વર્ષીય માતા મંજુબહેન અને ૫૮ વર્ષના પિતા મૂળજીભાઈની પોતાના ઘરમાં જ કરપીણ હત્યા કર્યા બાદ જયદીપે પણ ગળાફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસે પહોંચી જઈ લોહીથી લથપથ માતા-પિતાની લાશોને અને જયદીપની લાશને પીએમ માટે મોકલી ઝીણવટભરી તપાસ શરૂ કરી છે, પરંતુ હજુ સુધી અા ઘટના પાછળનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

મળતી માહિતી પ્રમાણે જયદીપ ગઈ કાલે વહેલી સવારે સ્કૂટર લઈ પોતાના રેસ્ટોરાં પર ગયો હતો અને ત્યાંથી ગોપાલ નેપાળી નામના તેના નોકરને સ્કૂટર પર બેસાડી ઘરે લાવ્યો હતો. ઘરે પહોંચ્યા બાદ જયદીપે ગોપાલને બહારથી તાળું મારી દેવા કહ્યું હતું. ગોપાલે તાળું મારી બારીથી ચાવી જયદીપને અાપી દીધી હતી. રાજકોટમાં રહતા જયદીપના બનેવીએ ચેતને ફોન પર જયદીપનો સંપર્ક કરવા સતત પ્રયાસ કરવા છતાં ફોન રિસિવ ન થતાં તેને ઘર અાવી તપાસ કરતાં રૂમમાંથી ત્રણેય લાશો મળી અાવી હતી. પોલીસે અા અંગે હત્યા અને અાત્મહત્યાના ગુના દાખલ કરી અાગળની સઘન તપાસ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like