૧૭ વર્ષની પુત્રીને ૪૦ વર્ષના પુરુષ સાથે પરણાવી, પાછી અાવી તો જાકારો અાપ્યો

અમદાવાદ: ગુજરાતી પ્રચલિત કહેવત છે કે છોરું કછોરું થાય પણ માવતર-કમાવતર ના થાય-આ ઉક્તિને ખોટી ઠેરવતો તાજેતરમાં બનેલો અમદાવાદ શહેરનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એરપોર્ટ વિસ્તારમાં રહેતા એક મારવાડી પરિવારની એકની એક સગીર વયની પુત્રી નજીકમાં રહેતા એક યુવક સાથે નાસી છૂટ્યા બાદ પોલીસે તેમને ઝડપી પાડી સગીરાનો કબજો મા-બાપને સોંપ્યો હતો, પરંતુ મા-બાપે જોધપુર સ્થિત રાજસ્થાનના ૪૦ વર્ષીય આધેડ સાથે સગીરાનાં લગ્ન ફૂલહાર કરીને રૂ.૩૦ હજાર ખર્ચ પેટે પડાવી લીધા હતા. ગમે તેમ કરીને સગીરા જોધપુરથી નાસી છૂટવામાં સફળ રહેતાં મા-બાપે ફરી આશ્રય માટે ઘરના દરવાજા બંધ કરી દેતાં બે દિવસ ભૂખી-તરસી પહેરેલા કપડે સિવિલ હોસ્પિટલના દરવાજે ટટળી હતી.

સગીરા આજથી બે માસ પૂર્વે એક સગીર યુવક સાથે ઘરેથી ભાગી હતી. મા-બાપે પોલીસ ફરિયાદ કરતાં પોલીસે બંનેને ઝડપી લીધાં હતાં. સગીર વયે લગ્ન કરીને સગીરાને ભગાડી જવાના ગુના હેઠળ યુવક જેલમાં છે. ત્યારબાદ સગીરાનાં મા-બાપે તાબડતોબ દીકરીને પરણાવી દૂર મોકલી દેવાની તજવીજ હાથ ધરી. રાજસ્થાનના જોધુપર સ્થિત ૪૦ વર્ષીય આધેડ સાથે ઘર મેળે સગાંવહાલાંની ગેરહાજરીમાં રૂ.૩૦ હજારની માગ સાથેની રકમ મેળવી ફૂલહાર વિધિથી દીકરીને જોધપુર પરણાવીને મોકલી આપી.

સગીરાને જેની સાથે પ્રેમ હતો અને હાલમાં જેલમાં છે તે જ યુવક સાથે લગ્ન કરવાં હોઇ ગમે તે રીતે જોધપુરથી ભાગી આવીને મા-બાપના ઘરે પહોંચી ગઇ, પરંતુ મા-બાપે તેના માટે ઘરના દરવાજા બંધ કરી દેતાં નિરાધાર બનેલી સગીરાએ સિવિલ હોસ્પિટલની બહાર રહેતા દર્દીઓનાં સગાં-વહાલાં વચ્ચે સમય વિતાવ્યો. નાની ઉંમર અને સુરક્ષાના મામલે કોઇ એ સમજાવતાં એણે અભયમ્ની મદદ માગી. અભયમ્ દ્વારા સગીરાનાં મા-બાપને અનેક પ્રકારની સમજાવટ દ્વારા સગીરાને આશ્રય આપવા પ્રયત્ન કરાયો હતો, પરંતુ મા-બાપે દીકરીને ઘરમાં રાખવાની ચોખ્ખી ના પાડી દેતાં છેવટે નારી સંરક્ષણ ગૃહમાં મૂકવાના પ્રયાસો વચ્ચે સગીરાના નાનીનો સંપર્ક કરાયો. નાનીને ખૂબ જ સમજાવ્યા બાદ દીકરી તેને હેરાન નહીં કરે-ભાગશે નહીં તેની બાંયધરી આપ્યા બાદ નાનીએ તેને એક વર્ષ માટે આશરો આપવાની હા પાડતાં અભયમ્ના સ્ટાફે હાશકારો લીધો હતો.

યુવતીને તેનાં મા-બાપ વિરુદ્ધ બળજબરીથી લગ્ન અને સગીર વયે પરણાવી દેવાના ગુના માટે ફરિયાદ કરવા માટે અભયમે પૂછ્યું હતું, પરંતુ સગીરાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે મારાં મા-બાપે મારી સાથે જે કર્યું તે, પણ હું તેમના જેવું નહીં કરું અને તેમના વિરુદ્ધ કોઇ ફરિયાદ નહીં કરું, પરંતુ એક વર્ષ પછી લગ્ન લાયક ઉંમર થતાં હું જેલમાં છે તે યુવક પ્રેમી સાથે જ લગ્ન કરીશ.

You might also like