ફી સહિતના મુદ્દે આવતી કાલે વાલીમંડળનું શાળા બંધનું એલાન, કેટલીય સ્કૂલોમાં છે પરીક્ષાઓ

728_90

અમદાવાદ: રાજ્યભરની ખાનગી શાળાઓએ હાલમાં તમામ ક્વાર્ટરની ફી ઉઘરાવી લીધી છે. વર્ષ ૨૦૧૬-૧૭ની નિયત ફી સિવાયની વધારાની રકમ પરત થવાની આશાએ વાલીઓ બેઠા છે ત્યારે સરકારની ધીમી કાર્યવાહી અને શાળાઓ સામે વિરોધમાં આવતી કાલે અમદાવાદ સહિત રાજ્યભરની ખાનગી શાળાઓ સજ્જડ બંધ રાખવા વાલીઓ સ્વયંભૂ તેમનાં બાળકોને શાળાએ મોકલશે નહીં.

શહેરના વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે સરકાર સાથે મળીને ફી રેગ્યુલેટરી કમિટી બહાનાબાજી કરે છે. શાળાઓને જાણી જોઈને વધુ સમય અપાય છે, જેથી વાલીઓ ફીનો મુદ્દો ભૂલી જાય તેના કારણે ૧૨ જાન્યુઆરીએ તમામ વાલીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. વાલીમંડળની સાથે જાગેગા ગુજરાત સંઘર્ષ સમિતિ, ગુજરાત પેરન્ટ્સ ફી રિફંડ કમિટી સહિતના અન્ય જિલ્લાના વાલીમંડળ જોડાયા છે. વાલીમંડળ તરફથી શહેરની તમામ શાળાના વાલીઓને પોતાનાં બાળકોને કાલે શાળાએ નહીં મોકલવાની જાણ કરાઈ છે.

સરકાર અને હાઈકોર્ટના નિર્ણય બાદ પણ ખાનગી શાળા સંચાલકો દ્વારા વાલીઓ પાસે બીજા અને ત્રીજા સ્લેબની ફી માટે દાદાગીરી થતી હોવાના મુદ્દે બંધનું શસ્ત્ર ઉગામ્યું છે.  જોકે કેટલીક શાળાઓમાં હાલમાં પરીક્ષા હોવાના કારણે વિદ્યાર્થીઓની કારકિર્દી પર અસર થાય તેમ હોઈ ગઈ કાલે મળેલી વાલીમંડળની બેઠકમાં પરીક્ષા હોય તેવી શાળાના વિદ્યાર્થીઓને બંધમાંથી મુક્તિ અપાઇ છે.

શાળામાં પરીક્ષા ચાલતી હશે ત્યાં વાલીઓ બંધ કરાવવા જશે નહીં. સ્કૂલવર્ધી એસોસિએશન બંધમાં જોડાયું નથી. તેથી વાલીઓના શાળા બંધના એલાનને સફળતા મળે છે કે કેમ તે અંગે પ્રશ્નાર્થ છે. વાલીમંડળ દ્વારા આપવામાં આવેલા બંધના એલાન સાથે ડીપીએસ-બોપલના વાલીઓ જોડાયા નથી.

ડીપીએસ-બોપલ વાલીમંડળમાં પણ બંધના મુદ્દે બે ભાગલા પડ્યા છે, જેમાં એક ગ્રૂપ દ્વારા સત્તાવાર રીતે બંધમાં નહીં જોડાવાનો નિર્ણય લેવાયો છે. બીજા ગ્રૂપ દ્વારા વાલીમંડળની પડખે રહીને બંધના એલાનમાં સહકાર આપવાની જાહેરાત કરાઈ છે. શાળા સંચાલકો ૨૦ જાન્યુઆરી સુધી વધારાની ફી પરત નહીં કરે તો વાલીમંડળ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની જાહેરાત કરાઈ છે.

You might also like
728_90