માતા-પિતાએ ઠપકો અાપતાં બોડકદેવમાં ધોરણ ૧૦ની વિદ્યાર્થિનીનો અાપઘાત

અમદાવાદ: શહેરના બોડકદેવ વિસ્તારમાં રહેતી અને કેન્દ્રીય વિદ્યાલયમાં ધો-૧૦માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીઅે ગઇ કાલે રાત્રે તેના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થિની બે દિવસથી સ્કૂલે ન જતી હોઇ માતા-પિતાઅે ઠપકો આપતાં તેણે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધંુ હતું. વસ્ત્રાપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોડકદેવના મધર મિલ્ક પેલેસ રોડ પર આવેલા નિધિ એપાર્ટમેન્ટમાં સંદીપભાઇ શ્રીરામ દેશપાંડે રહે છે. તેમના પરિવારમાં ૧૬ વર્ષીય પુત્રી રઇના હતી. રઇના કેન્દ્રીય વિદ્યાલયમાં ધો-૧૦માં અભ્યાસ કરતી હતી. રઇના બે દિવસથી સ્કૂલે જતી ન હતી. ગઇ કાલે સાંજે સાતેક વાગ્યે રઇના ઘરે આવી હતી અને રાત્રે ૮-૩૦ની આસપાસ રઇના પોતાના રૂમમાં બાથરૂમ જવા ગઇ હતી અને તેની માતા પાંચેક મિનિટમાં રઇના પરત ન ફરતાં તેના રૂમમાં જતાં રૂમનો દરવાજો અંદરથી બંધ હતો, જેથી દરવાજો તોડી અંદર જોતાં રઇનાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

બનાવ બનતાં ફલેટના રહીશો દોડી આવ્યા હતા. બનાવની જાણ વસ્ત્રાપુર પોલીસને કરાતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે. વી. રાણાએ જણાવ્યું હતું કે મૃતક વિદ્યાર્થિનીના ‌પિતા સ્કૂલે તપાસ કરવા ગયા હતા અને બે દિવસથી રઇના સ્કૂલે જતી નહીં હોવાથી તેની માતાએ તેને ઠપકો આપ્યો હતો. આ કારણસર તેણે આત્મહત્યા કરી હોઇ શકે. પોલીસે મૃતક વિદ્યાર્થિનીની લાશને પીએમ માટે મોકલી આપી હતી, જોકે આ બાબતે પીએસઆઇ રાણાએ વધુ માહિતી આપવાનો ઇનકાર કરી દીધો હતો.

એક જ અઠવાડિયામાં ધો-૧૦માં અભ્યાસ કરતાં ચાર વિદ્યાર્થીઓના આપઘાત
શહેરમાં એકાએક વિદ્યાર્થીઓના આપઘાતના પ્રમાણમાં વધારો થવા પામ્યો છે. આગામી માર્ચ મહિનાથી બોર્ડની પરીક્ષાઓ તેમજ સ્કૂલની વાર્ષિક પરીક્ષાઓ યોજાતી હોય છે, જેથી વિદ્યાર્થીઓ અભ્યાસ તેમજ પરીક્ષાને લઇને તણાવમાં આવી આવાં પગલાં ભરતા હોય છે. ૧પ ફેબ્રુઆરીના રોજ દિલ્હી પબ્લિક સ્કૂલમાં ધો.૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થી અદનાન રવાનીએ સાબરમતી નદીમાં પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી તો એ જ દિવસે સરસપુર બોમ્બે હાઉસિંગમાં રહેતા અને ધો.૧૦માં જ અભ્યાસ કરતા વિપુલસિંહ રણજિતસિંહ ઠાકોર (ઉં.વ.૧પ)એ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. બાપુનગરની ફ્રૂટવાળી ચાલીમાં રહેતા ની‌િતન રામનરેશ તોમર (ઉં.વ.૧પ) નામના વિદ્યાર્થીએ પણ અભ્યાસમાં નબળો હોઇ આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે ગઇ કાલે રાત્રે વિદ્યાર્થિનીએ માતા-પિતાના ઠપકાથી આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. વિદ્યા‌ર્થી-‌વિદ્યાર્થિનીઓના આપઘાતના પ્રમાણમાં વધારો સમાજમાં ચિંતાનો વિષય બન્યો છે.

You might also like