પારસમલ લોઢાનું દાઉદ કનેક્શન ખૂલ્યું

નવી દિલ્હી: નોટબંધી બાદ કાળાં નાણાંને સફેદ કરનારા દેશના સૌથી મોટા નટવરલાલની ઇડીઅે ધરપકડ કરી છે. કોલકાતાના મોટા બિઝનેસમેન પારસમલ લોઢા પર ચેન્નઈના શેખર રેડ્ડીથી લઈને દિલ્હીના રોહિત ટંડન માટે કરોડો રૂપિયાની જૂની નોટોને ૧૫ થી ૨૦ ટકા કમિશન પર નવી નોટોમાં બદલવાનો અાક્ષેપ છે.

લોઢાઅે કબૂલ્યું છે કે તેણે લગભગ ૨૫ કરોડ રૂપિયાની જૂની નોટો બદલી છે. નોટબંધી બાદ તે સેંકડો-કરોડ રૂપિયા હવાલા મારફતે વિદેશ મોકલી ચૂક્યો છે, તેના તાર દેશના મોસ્ટ વોન્ટેડ અપરાધી અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ સાથે જોડાઈ રહ્યા છે.  દિલ્હીમાં વકીલ રોહિત ટંડન સાથે પૂછપરછ દરમિયાન પારસમલનું નામ સામે અાવ્યું. તરત જ ઇડીઅે તેની સામે લુકઅાઉટ સર્ક્યુલર જારી કર્યો. મંગળવારે તે મુંબઈ અેરપોર્ટ પર પહોંચ્યો અને તરત જ ઇમિગ્રેશન અધિકારીઅોઅે તેને રોકી દીધો અને ઇડીને તેની જાણકારી અાપી. ત્યારબાદ તેને દિલ્હી લવાયો. કોર્ટે તેને સાત દિવસ માટે ઇડીની રિમાન્ડ પર મોકલી દીધો છે.

વિવાદિત બિઝનેસમેન છે પારસમલ લોઢા
૬૦ વર્ષીય પારસમલ લોઢા રિયલ અેસ્ટેટ, ખાંડ ઉદ્યોગ અને ગ્લોબલ ટ્રે‌િડંગના બિઝનેસ સાથે જોડાયો છે. ૨૫ વર્ષ પહેલાં પારસે પીસી સેન પાસેથી પિયરલેસ ફાઇનાન્સ અને ઇન્વેસ્ટમેન્ટ કંપની ખરીદી હતી. તે સમયે પિયરલેસ સૌથી મોટી ફાઈનાન્સ કંપની હતી. અારોપ છે કે સેન પર ડોન દાઉદ ઇબ્રાહીમે પિયરલેસ વેચવાનું દબાણ કર્યું હતું.

બેન્કો સાથે બનાવ્યું હતું નેટવર્ક
પારસમલે બેન્કો સાથે મોટું નેટવર્ક બનાવી રાખ્યું હતું. તેના મારફતે લોકોને જે નવી નોટો મળી તે રિઝર્વ બેન્કે છ બેન્કોને સપ્લાય કરી હતી. ઇડીઅે અા બેન્કોને નોટિસ જારી કરીને પૂછ્યું કે નોટો પારસમલ પાસે કેવી રીતે પહોંચી. ૨૦૧૦માં કોલકાતાની સ્ટીફન કોર્ટમાં અાગ લાગવાથી ૪૩ લોકો મૃત્યુ પામ્યા હતા, તેમાં પણ લોઢાનું નામ સામે અાવ્યું હતું. બે વર્ષ પહેલાં તેની પુત્રીનાં લગ્નમાં મોટા નેતાઅોની સાથે મોટી સંખ્યામાં જાણીતી હસ્તીઅો અને વિદેશી મહેમાનો પણ સામેલ થયા હતા.
http://sambhaavnews.com/

You might also like