25 કરોડની જૂની નોટ બદલાવી હોવાની પારસમલ લોઢાની કબૂલાત

નવી દિલ્હી: ગત સપ્તાહમાં પ્રવર્તન નિદેશાલય(ઈડી) દ્વારા પારસમલ લોઢાની ધરપકડ થઈ હતી.ત્યાર બાદ લોઢાની પૂછપરછ હાથ ધરવામાં આવતાં તેણે 25 કરોડની જૂની નોટને 2000ના દરની નવી નોટ તરીકે બદલી હોવાની કબૂલાત કરી છે. તેમાં સાત કરોડ દિલ્હીના વકીલ રોહિત ટંડનના અને 17 કરોડ ચેન્નઈના બાલુ માફિયા શેખર રેડ્ડીના હોવાનું લોઢાએ જણાવ્યું છે.

ઈડીએ પાડેલા દરોડા દરમિયાન લોઢા અને રોહિત ટંડનના મોબાઈલ અને લેપટોપમાંથી મળેલા પુરાવાના આધારે ઈડીએ અનેક હાઈપ્રોફાઈલ લોકોની માહિતી મેળવી છે. તેથી હવે એકાદ બે દિવસમાં ઈડી આ મામલે આવા લોકોની પણ પૂછપરછ કરી શકે તેમ છે કે જેઓની નોટ બદલવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પારસમલ લોઢાએ અગાઉ માત્ર સાત કરોડની જૂની નોટો બદલી હોવાનું જણાવ્યું હતું. પરંતુ તેની ધરપકડ બાદ થયેલી આકરી પૂછપરછમાં તેણે 25 કરોડની નોટ બદલી હોવાનું જણાવ્યું છે.

લેપટોપ અને મોબાઈલમાંથી મળેલી વિગતોની તપાસ કરતાં આ સમગ્ર કૌભાડમાં કેટલાક અધિકારીઓનાં નામ પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. દરમિયાન લોઢાને નવી નોટ પૂરી પાડનારા બેન્ક અધિકારીઓની ઓળખ પણ થઈ ગઈ છે. પૂરતા પુરાવા મળ્યા બાદ ઈડી બેન્કના અધિકારીઓ સામે પણ કાર્યાવાહી હાથ ધરશે.  બીજી તરફ લોઢા આ મામલે ઈડીને લેખિત નિવેદનમાં હાઈપ્રોપાઈલ લોકોનાં નામ આપવાનો ઈનકાર કરી રહ્યા છે.

http://sambhaavnews.com/

You might also like