રોહિત ટંડન અને રેડ્ડીની નોટ બદલનાર પારસમલ ઝડપાયો

નવી દિલ્હી: કર્ણાટકના વિવાદાસ્પદ પ્રોફેશનલ શેખર રેડ્ડી અને દિલ્હીના વકીલ રોહિત ટંડનની જૂની નોટ બદલવાના આરોપી એવા કોલકાતાના જાણીતા વેપારી પારસમલ લોઢાની ધરપકડ કરવામાં આવી છે. પારસમલ લોઢા જ્યારે વિદેશ જવાની પેરવીમાં મુંબઈના એરપોર્ટ પર પહોંચ્યો હતો ત્યારે તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. પારસમલ લોઢા પર એવો આરોપ છે કે તેણે રૂ. ૨૫ કરોડથી વધુ રકમની જૂની નોટ નવી નોટમાં બદલી આપી હતી.

એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)ની નજર પણ તેના પર હતી. ઈડીએ જ એક એલઓસી ખોલાવી હતી. ધરપકડની દહેશતથી પારસમલ લોઢા વિદેશ ભાગવાની ફિરાકમાં હતો, પરંતુ તેને મુંબઈ એરપોર્ટ પરથી જ ઝડપી લેવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર પારસમલ લોઢાને આજે દિલ્હી લાવીને અદાલતમાં પેશ કરાશે. ઈડીની ટીમ પારસમલ લોઢાના રિમાન્ડની કોર્ટ સમક્ષ માગણી કરશે કે જેથી તેની વધુ પૂછપરછ કરી શકાય.

સીબીઆઈ દ્વારા શેખર રેડ્ડીની ધરપકડ કરાઈ
સીબીઆઈએ તામિલનાડુના મુખ્ય સચિવના નિકટ મનાતા શેખર રેડ્ડીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે તેને ૩ જાન્યુઆરી સુધી સીબીઆઈની કસ્ટડીના રિમાન્ડ પર મોકલી આપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે શેખર રેડ્ડી પાસેથી ૧૨૭ કિલો સોનું અને રૂ. ૧૦૬ કરોડની કેશ જપ્ત કરી હતી. ઈન્કમટેક્સ વિભાગે ચેન્નઈમાં શેખર રેડ્ડીનાં અનેક સ્થળ પર દરોડા પાડ્યા હતા અને જંગી જથ્થામાં કેશ અને જ્વેલરી જપ્ત કરી હતી. ઈન્કમટેક્સ વિભાગે આ કેસમાં શેખર રેડ્ડી, શ્રીનિવાસ રેડ્ડી અને પ્રેમની પણ પૂછપરછ કરી હતી.
http://sambhaavnews.com/

You might also like