અર્ધસૈનિક દળમાં હવે ૩૩ ટકા મહિલાઓને સમાવાશે

ઇન્દિરાપુરમ્ : કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે જણાવ્યું છે કે સરકાર ટૂંક સમયમાં અર્ધસૈનિક દળમાં ૩૩ ટકા મહિલાઓનો સમાવેશ કરશે, તેમાં સીઆઈએસએફમાં મહિલાઓનું વિશેષ પ્રતિનિધિત્વ રહેશે. રાજનાથસિંહ ગઈ કાલે ઈન્દિરાપુરમમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષાદળના ૪૭મા સ્થાપના દિવસના સમારોહમાં સંબોધન કરી રહ્યા હતા.

આ અંગે રાજનાથસિંહે જણાવ્યું કે આજે વિકાસની દિશામાં આગળ વધતા દરેક ક્ષેત્રે પડકારોમાં વધારો થયો છે. નવી જવાબદારી મળવા સાથે તેને પૂરી કરવાના પડકારો પણ વધી જાય છે. અર્થવ્યવસ્થા મજબૂત થઈ રહી છે, પરંતુ આતંકવાદ અને સાયબર ક્રાઈમ જેવી બાબત આજે સેના અને અર્ધસૈનિક દળ માટે પડકારજનક બની ગયા છે.

સીઆઈએસએફએ સરકારી અને બિનસરકારી ક્ષેત્રોમાં દરેક પડકારોનો મજબૂત સામનો કરી સાબિત કરી દીધું છે કે તે એક સક્ષમ દળ છે. તેમણે સીઆઈએસએફ દ્વારા કરોડોની મિલકત બચાવવા અને અલગ અલગ ઓપરેશનમાં મેળવેલી સફળતા બદલ દળની પ્રશંસા કરી હતી.

કાર્યક્રમ બાદ મીડિયા સાથે વાતચીત કરતાં રાજનાથસિંહે જણાવ્યું કે વિશ્વકપ દરમિયાન દરેક દેશની ટીમને સુરક્ષા અંગે ખાતરી આપવામાં આવે છે. તે પછી ભલે ગમે તે દેશ હોય. તેમણે પાકિસ્તાનનું નામ લીધા વિના જણાવ્યું કે મેચના આયોજનને લઈને સરકાર સુરક્ષાના મામલે તૈયાર છે. દરમિયાન રાજનાથસિંહે ઈશરત જહાં, વિજય માલ્યા અને બાબા રામદેવ અંગે સવાલ પૂછવામાં આવતાં જણાવ્યું કે તેઓ તેનો જવાબ સંસદ સત્ર દરમિયાન જ આપશે.

You might also like