સંવેદનશીલ વિસ્તારોમાં પેરામિ‌લિટરી ફોર્સનું પેટ્રોલિંગ

અમદાવાદ: લોકશાહીના તહેવાર એવા ચૂંટણીનાં બ્યૂગલ વાગી ચૂક્યાં છે. આગામી રવિવારે અમદાવાદ મહાનગરપાલિકા સહિત છ મહાનગરપાલિકામાં ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. બીજી તરફ પોલીસ દ્વારા પણ ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવો, બોગસ વોટિંગ અથવા ભાગદોડની પ્રવૃત્તિ ન થાય તેને ધ્યાનમાં રાખી સુરક્ષાની તૈયારીઓ કરાઇ છે. પાટીદાર અનામત આંદોલનને લઈ થયેલા તોફાનાેને ધ્યાનમાં રાખી ચૂંટણીના પાંચ દિવસ અગાઉથી જ જાહેર કરાયેલા સંવેદનશીલ તેમજ અતિસંવેદનશીલ વિસ્તારોમાં પેરામિલિટરી ફોર્સ તેમજ સ્થાનિક પોલીસનું ફૂટ પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં
આવ્યું છે.

ગત ચૂંટણી કરતાં આ ચંૂટણીમાં પાટીદાર અનામત આંદોલનને લઈ ઘણી અસર પડી છે. જેથી સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મથકોમાં વધારો થતાં બમણો પોલીસ ફોર્સ મંગાવવાની ફરજ પડી હોવાનું જાણવા મળ્યું છે. ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ હાલમાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે પોલીસ બંદોબસ્ત ફાળવવા અંગે રાજ્ય પોલીસવડા પાસે પોલીસ ફોર્સની માગણી કરાઈ છે. બીએસએફ, આઈટીબીટી, સીઆરપીએફ તેમજ આરએએફની ૧૪ જેટલી કંપનીઓ હાલમાં આવી ગઈ છે અને તેને તમામ સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારોમાં ફાળવી દેવાઈ છે. ફોર્સ દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. ગઈ કાલે શહેરના દરિયાપુર, વાડજ, નારણપુરા, ઘાટલોડિયા, નિકોલ તેમજ રામોલ વિસ્તારમાં ફોર્સ અને પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

 

 

You might also like