લકવાગ્રસ્ત સંજિદાને ૨૦ વર્ષે ન્યાય મળ્યોઃ પતિએ બીજાં લગ્ન કરી લીધાં

અમદાવાદ: આપણા દેશની ન્યાય-વ્યવસ્થા એવી છે કે ન્યાય મેળવવા માટે વર્ષો સુધી રાહ જોવી પડે છે. ક્યારેક વ્યક્તિ યુવાનમાંથી વૃદ્ધ થઈ જાય કે જિંદગી પણ હારી જાય છે. આવો જ કિસ્સા આસ્ટોડિયામાં રહેતી અને પેરાલિસિસના કારણે ૨૦ વર્ષથી પથારીવશ મહિલાને છે. પ્રસૂતિ વખતે અપાયેલા ઈન્જેકશનના કારણે કમરથી નીચેનું અંગ ખોટું પડી જતા કાયમી અપંગ બનેલી મહિલાને તેનો પુત્ર યુવાન થયો ત્યારે છેક વળતર મળ્યું છે.

આસ્ટોડિયા વિસ્તારમાં સૈયદવાડા ખાતે રહેતી સંજિદા પરવીન અસલમખાનની ઉંમર હવે ચાલીસી વટાવી ચૂકી છે. ૧૯૯૬માં પ્રસૂતિ માટે વીએસ હોસ્પિટલમાં દાખલ થયેલી સંજિદાને પુત્ર જન્મના સમાચાર મળતાં જિંદગી ખુશખુશાલ બની ગઈ હતી. પરંતુ તેનો આનંદ ૪૮ કલાકથી વધુ ટકી શક્યો નહીં. પ્રસૂતિ સમયે સંજિદાને કમરમાં અપાયેલા એક ઈંજેકશને તેની જિંદગી બદલી નાખી. સંજિદાને એનેસ્થેટિસ્ટની ટીમના ડો. કલ્પેશ શાહ અને ડો. નીના શાહ દ્વારા કમરમાં એક ઈંજેકશન આપવામાં આવ્યું હતું.

બધું સમુસુતરું પાર પડ્યા બાદ ગણતરીના કલાકોમાં સંજિદાના કમરની નીચેના અંગો હલનચલન કરતાં બંધ થઈ ગયાં. ધીરે ધીરે તેનો શરીરનો કમરથી નીચેનો ભાગ લકવાગ્રસ્ત થઈ ગયો.  વાત આટલેથી અટકી ન હતી. પુત્ર જન્મના ત્રણ વર્ષ પછી તુરત જ સંજિદાને તેના પતિએ પિયર મોકલી દીધી અને બીજા લગ્ન કરી લીધા. એક તો શારીરિક અશક્તિ અને તેમાં આવો બીજો માર સંજિદા અત્યારે મા-પિતાના ઘરે દુઃખ ભર્યા દિવસો વ્યતિત કરી રહી છે. નિઃસાસો નાખતા તેઓએ ‘સમભાવ મેટ્રો’ સાથે વાત કરતા કહ્યું હતું કે હુ કુદરતને દુઆ કરીશ કે મને મળ્યા તેવા
ડોક્ટર કોઈને પણ ન મળે. અને મારી સાથે થયું તેવું કોઈની સાથે ન થાય.

સંજિદાએ વર્ષ ૧૯૯૬માં ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણ ગુજરાત રાજ્ય કમિશનમાં ન્યાય મેળવવા ઘા નાખી હતી. સંજિદાએ તેની શારીરિક પરિસ્થિતિ માટે વી.એસ. હોસ્પિટસ, એનેસ્થેટિસ્ટ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને પાર્ટી બનાવ્યા હતા અને રૂ.પાંચ લાખના વળતરની માગ કરી હતી. ગ્રાહક સુરક્ષા કમિશને, સંજિદાને ૭.૫ ટકા વ્યાજ સાથે રૂ.૩ લાખનું વળતર ચૂકવવા વી.એસ. હોસ્પિટલને હુકમ કર્યો હતો.
http://sambhaavnews.com/

You might also like