અડવાણી બિલિયર્ડ્સનો બાદશાહ

બેંગલુરુઃ દિગ્ગજ ભારતીય ક્યૂ ખેલાડી પંકજ અડવાણીએ ગઈ કાલે ૧૧મી વાર વિશ્વ બિલિયર્ડ્સનો ખિતાબ જીતી લીધો. પંકજે વિશ્વ બિલિયર્ડ્સ (૧૫૦-અપ ફોર્મેટ) ચેમ્પિયનશિપની ફાઇનલમાં સિંગાપુરના પીટર ગિલક્રિસ્ટને ૬-૩થી પરાજિત કરીને કરિયરનો ૧૬મો વિશ્વવિજેતા ખિતાબ જીતી લીધો.

ગોલ્ડન બોયના નામથી મશહૂર પંકજે ઘણી વાર ચેમ્પિયન બનેલા ગિલક્રિસ્ટને શિકસ્ત આપી હતી. પંકજે શાનદાર શરૂઆત કરતા પહેલી બે ગેમ પોતાના નામે કરી લીધી હતી. ત્યાર બાદ ગિલક્રિસ્ટે જબરદસ્ત વાપસી કરતા પછીની બંને ગેમ જીતી લઈને મુકાબલાને રોમાંચક બનાવી દીધો હતો. ત્યાર બાદ પાંચમી અને છઠ્ઠી ગેમ જીતી લઈને પંકજે પોતાની સરસાઈ ૪-૨ કરી લીધી હતી. ગિલક્રિસ્ટે સાતમી ગેમ જીતીને વાપસી કરવાની કોશિશ કરીહતી, પરંતુ પંકજે પછીની બંને ગેમ જીતીને ખિતાબ પર કબજો જમાવી દીધો હતો. આ પહેલાં પંકજ મ્યાનમારના આંગ હતાયને એકતરફી મુકાબલામાં ૫-૦થી હરાવીને ફાઇનલમાં પહોંચ્યો હતો, જ્યારે ગિલક્રિસ્ટે ભારતના ધ્વજ હરિયાને ૫-૧થી પરાજિત કરીને ખિતાબી મુકાબલામાં પ્રવેશ કર્યો હતો.
http://sambhaavnews.com/

You might also like