પંઢરપુરના વિઠ્ઠલનાથ

ત્રિવેન્દ્રમમાં ભગવાન પદ્મનાભની વિશાળ અને ભવ્ય મૂર્તિ છે. આ તીર્થ નીલકંઠના અંતરમાં વસી ગયું. દક્ષિણ ભારતમાં ત્રિવેન્દ્રમનું રાજ્ય ભગવાન પદ્મનાભનું રાજ્ય કહેવાય છે. અહીંના રાજાઓ રાજ અને તમામ રાજસંપત્તિ ભગવાન ત્રિવેન્દ્રમને સમર્પિત કરી ભગવાનના અદના સેવકરૂપે દીવાન તરીકે રાજ્યનો કારોબાર ચલાવતા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે આ રાજાઓ સેવકભાવે મંદિરની નીચામાં નીચી ટેલ ચાકરી કરતા. ભગવાન પદ્મનાભની ઉત્સવમૂર્તિની જ્યારે શોભાયાત્રા નીકળે ત્યારે સ્વયં મહારાજા શોભાયાત્રાની આગળને આગળ સાવરણો લઇને પ્રદક્ષિણા માર્ગ વાળતા. અે દ્રશ્ય આંખોને ઠારે એવું હોય.

નીલકંઠવર્ણી અહીંથી જનાર્દન તીર્થ થઇને આદિ કેશવ પધાર્યા. અહીંયા ભગવાન શ્રી વરાહ નારાયણનું દિવ્ય મંદિર છે. અહીંના કાષ્ઠ મંડપમાં રામાયણનું અદ્ભુત કોતરકામ છે. નીલકંઠવર્ણીએ ભગવાન આદિ કેશવના દર્શન કરી થોડો સમય નિવાસ કર્યો. આ આદિ કેશવમાં જગન્નાથપુરીની જેમ જ બે હજાર નાગા બાવાઓનું ઝુંડ રહેતાં હતાં, જેમાંથી કેટલાકે તો જગન્નાથપુરીની લડાઇમાંથી છટકીને અહીં ધામા નાખ્યા હતા. નીલકંઠને થયું કે હજી પાપનો ભાર થોડો રહી ગયો છે તે દૂર થવો જોઇએ. સંજોગોવશાત્ અહીં પણ માનસપુરની ઘટનાનું પુનરાવર્તન થયું. બન્યું એવું કે આ ભેખધારીઓનાં ઝુંડ નિર્દોષ પ્રજાની રંજાડ કરી રહ્યા હતા. તે જોઇ રાજસૈનિકો એમને રોકવા ગયા તો આ કહેવાતા વૈરાગીઓ હથિયારો લઇને સામા થયા. રાજાએ આ વાત જાણીને આ અધર્મીઓનો નાશ કરવા માટે રાજસૈનિકોને આજ્ઞા આપી. કેળવાયેલા રાજસૈનિકોએ આ અડબંગી નાગા બાવાઓનો વિનાશ કર્યો.

આદિ કેશવથી નીકળી નીલકંઠ મલયાચલ તરફ પધાર્યા. સાક્ષી ગોપાલના દર્શન કરી હવે નીલકંઠ પંપાસર, કિષ્કિન્ધા વગેરે તીર્થોમાં વિહાર કરતા કરતા મહારાષ્ટ્ર તરફ આગળ વધ્યા અને ચંદ્રભાગા નદીના કિનારે પંઢરપુર પધાર્યા. પંઢરપુર મહારાષ્ટ્રનું પ્રમુખ તીર્થ છે. અહીંયા ભગવાન વિઠ્ઠલનાથજી બિરાજે છે, જેને વિઠોબા પણ કહે છે. ભગવાન વિઠોબા સાથે પિતૃ ભક્ત પુંડરિકની કથા જોડાયેલી છે. અહીંયા ભગવાન વિઠોબા સાથે પિતૃ ભક્ત પુંડરિક જેવા ભક્તની પ્રતીક્ષા કરતા હોય એમ કેડે હાથ દઇને ઊભા છે. અહીંયા દર્શન માટે નાતજાતનો કોઇ પ્રતિબંધ નથી. અહીંયા ભગવાનને મન કોઇ ઊંચ કે નીચ નથી, બધા જ સરખા છે.

આ મંદિર સાચા અર્થમાં વ્યાપક અને ઉદાર સનાતન ધર્મનું પ્રતીક છે. દેવપૂજામાં પવિત્રતા જળવાય એ જરૂરી છે, પરંતુ દર્શન માટે ઊંચ નીચના ભેદ ગળે ઊતરે એવા નથી. ભગવાન નીલકંઠવર્ણી અહીં બે મહિના રોકાયા. અહીંથી નીલકંઠવર્ણી બુરાનપુર પધાર્યા. અહીં ગુજરાતની પ્રસિદ્ધ નદી તાપી-ગંગાનું ઉદ્ગમ સ્થળ છે. નીલકંઠે તાપી ગંગામાં સ્નાન કર્યું. પછી માલેગાંવ, દંડકારણ્ય થઇને નાસિક ત્ર્યંબક પધાર્યા. અહીં પવિત્ર નદી ગોદાવરીમાં સ્નાન કરી ત્ર્યંબકેશ્વર ભગવાનનાં દર્શન કર્યા. હવે તેઓએ ગુજરાતની ધરતી પર પ્રયાણ કર્યું.
-લે. શાસ્ત્રી માધવપ્રિયદાસ સ્વામી, એસ.જી.વી.પી. ગુરુકુળ, છારોડી

You might also like