।। પંઢરપુરનું વિઠોબા મંદિર ।।

મધ્ય રેલવેની મુંબઈ પુણે રાયચુર લાઈન પર પુણેથી ૧૧૫ કિ.મી. દૂર કુર્દૂવાડી રેલવે સ્ટેશન છે. આ સ્ટેશન મીરજ લાતુર લાઈન પર પણ છે. કુર્દૂવાડીથી મીરજ લાઈન પર ૩૩ કિ.મીટર દૂર પંઢરપુર છે. સ્ટેશનથી પંઢરપુર લગભગ દોઢ કિલોમીટર છે. શોલાપુર, પરલી વૈદ્યનાથ વગેરેથી પંઢરપુર સુધી સડક માર્ગ છે. સૌથી નજીકનું વિમાની મથક ૨૦૪ કિ.મી. પુણે છે. યાત્રાળુઓને અહીં રહેવા માટે ઉત્તમ ધર્મશાળાઓ છે તે ઉપરાંત યાત્રાળુઓને અહીં રહેવા માટે ઉત્તમ ધર્મશાળાઓ છે તે ઉપરાંત યાત્રાળુઓ પંડાને ત્યાં પણ રહી શકે. તેવી વ્યવસ્થા છે. પંઢરપુર મહારાષ્ટ્રનું તેમજ આજુબાજુનાં રાજ્યોનું સૌથી મહત્ત્વનું સ્થળ છે. શ્રી પંઢરીનાથ મહારાષ્ટ્રના સંતોના આરાધ્યદેવ છે. દેવપોઢી તથા દેવઊઠી એકાદશીના િદવસે અહીં વારકરી સંપ્રદાયના લોકો યાત્રા કરવા બહુ આવે છે. ભગવાન વિઠોબાના પરમ ભક્ત પુંડરિકનું અહીં ખૂબ મોટું નામ છે તેઓ આ ધામના અધિષ્ઠાતા છે તેમના સિવાય સંત તુકારામ, નામદેવ, રાકી, બાંકા, નરહરિ વગેરે સંતોની આ નિવાસભૂમિ પણ છે. પંઢરપુર ભીમા નદીને કિનારે વસેલું છે. ભીમા નદીનું બીજું એક નામ ચંદ્રભાગા છે. વિઠ્ઠલાનાથજીનું વિઠ્ઠલ મંદિર પંઢરપુરનું મુખ્ય મંદિર છે. મંદિરમાં કમર ઉપર બે હાથ રાખીને પંઢરનાથ ભગવાન સ્વયં ઊભા છે. મંદિરના ઘેરાવામાં રમુમાઈજી (રુકિમણી)નું મંદિર છે. આ ઉપરાંત બલરામ, સત્યભામા, જાંબવતી તથા રાધાજીનાં મંદિર પણ આ મંદિરની અંદર જ છે.
વિઠ્ઠલનાથજીના મંદિરમાં પ્રવેશદ્વારની સામે જ ચોખા મેલાની સમાધિ છે. પહેલાં પગથિયાં ઉપર સંત નામદેવની સમાધિ છે. દ્વારની એક બાજુએ અખા ભગતની મૂર્તિ છે. પંઢરપુરમાં ચંદ્રભાગા નદીને કિનારે ચંદ્રભાગા તીર્થ, સોમતીર્થ વગેરે તીર્થો છે. અહીં બીજા ઘણાં મંદિર છે. આ સ્થળને નારદજીની રેતી પણ કહે છે. અહીં બ્રહ્માજીના માનસપુત્ર નારદજીનું એક મંદિર છે. એક સ્થળ ઉપર દસ શિવલિંગ છે. એક ચબૂતરા ઉપર ભગવાન વિષ્ણુનાં ચરણ ચિહ્ન છે. જેને વિષ્ણુપદ કહેવાય છે. અહીં ગોપાલ, જનાબાઈ, સંત એકનાથ, સંત નામદેવ, સંત જ્ઞાનેશ્વર, સંત તુકારામનાં પણ મંદિર આવેલાં છે. પંઢરપુરમાં કોંડરામ અને લક્ષ્મીનારાયણનાં મંદિર પણ આવેલાં છે. ચંદ્રભાગાના સામા તટ ઉપર શ્રી વલ્લભાચાર્યજીની બેઠક પણ આવેલી છે. પંઢરપુરથી લગભગ ત્રણ કિલોમીટર દૂર એક ગામમાં જનાબાઈની ઘંટી છે. જેમાં ભગવાન વિષ્ણુએ સ્વયં અનાજ દળ્યું હતું.
ભક્ત પુંડરિક માતા-પિતાના પરમ સેવક હતા. એક વખત તે માતા-પિતાની સેવામાં વ્યસ્ત હતા. તે સમયે ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં તેમને દર્શન આપવા પધાર્યા. ભક્ત પુંડરિકે ભગવાનને ઊભા રહેવા એક ઈંટ સરકાવી, પરંતુ માતા પિતાની સેવા છોડી તેઓ ઉઠ્યા નહીં. તે જાણતા હતા કે માતા-પિતાની સેવાથી પ્રસન્ન થયેલા ભગવાન પોતે તેમને દર્શન આપવા સ્વયં પધાર્યા છે. તેઓ સેવા છોડી ઊભા થયા નહીં, તેથી ભગવાન તેમના ઉપર વધુ પ્રસન્ન થયા. માતા પિતાની સેવા પછી ભક્ત ભગવાન પાસે ગયા. ભગવાને ભક્તને વરદાન માગવા કહ્યું ત્યારે ભગવાનને કાયમ માટે ત્યાં જ રહી જવા જણાવ્યું. ત્યારથી પંઢરપુરમાં ભગવાન પંઢરીનાથી સ્વયં ત્યાં વસે છે તેમનો શ્રી વિવાદ આપણને અહીં જોવા મળે છે. પંઢરપુરથી કુર્દૂવાડી સ્ટેશનથી પાછા ફરતાં કુર્દૂવાડી પાસે લગભગ ૧૭ કિ.મી. દૂર નરસિંહપુર ગામ છે. આ ગામમાં પહેલાના સમયમાં દેવર્ષિ નારદનો આશ્રમ હતો. જ્યાં ભક્ત પ્રહલાદનો જન્મ થયો તો. માતા કયાધૂની કૂખે ભક્ત પ્રહલાદ જન્મ્યા હતા. કેટલાક આ સ્થળને પ્રહલાદજીની તપોભૂમિ માને છે.•
શાસ્ત્રી હિમાંશુ
વ્યાસ

You might also like