પાવાગઢ-ચાંપાનેર ખાતે યોજાશે પંચમહોત્સવ

ગુજરાતમાં ટુરીઝમને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર તેમજ રાજ્યનાં સ્થાનિક તંત્રો દ્વારા વિવિધ પ્રકારના આયોજનો થતાં રહે છે. ત્યારે પાવાગઢ-ચાંપાનેર ખાતે આગામી તા. 23થી તા.27 ડીસેમ્બર સુંધી પંચ મહોત્સવ-2015નું આયોજન કરવામાં આવ્યું છે. વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામેલા ચાંપાનેરના સ્થાપત્યોને ઉજાગર કરવા પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકારના સંયુકત ઉપક્રમે અહીં પાંચ દિવસ સુધી પંચ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.

પાવાગઢ અને ચાંપાનેર ઐતિહાસિક અને ભવ્ય કલા વારસો ધરાવે છે. પાવાગઢએ ભારતની 52 શક્તિપીઠોમાંની એક શક્તિપીઠ છે. અહીંયા મહાસતીના જમણાં પગની આંગળીઓ પડી હતી. તેથી આ સ્થાન ધાર્મિક આસ્થાનું પ્રતિક છે. ચાંપાનેરમાં ઐતિહાસિક કિલ્લો તેમજ કેટલાક ઐતિહાસિક સ્થાપત્યો આવેલા છે. પૃથ્વીરાજના વંશજોએ ચાંપાનેરને પાટનગર બનાવી તેના વિકાસ માટે સ્થાપત્યો બંધાવ્યા હતા. ત્યારબાદ મુસ્લિમ શાસક મોહમ્મદ બેગડા દ્વારા મહેલો અને મસ્જિદોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ તમામ કલા વારસો આજે પણ સચવાયેલો છે. એક સમયે ચાંપાનેર પાવાગઢ તે ગુજરાતની રાજધાની હતું. ભારત સહિત બહારના દેશોમાં પણ તેની ખ્યાતિ હતી. તેમજ હિન્દુ, મુસ્લિમ, મરાઠા તેમજ અંગ્રેજી શાસકોએ તેની પર રાજ કર્યું હતું.

પાંચ દિવસ થનારા પંચ મહોત્સવ દરમિયાન અહીં પાવાગઢના ડુંગરો તેમજ તળેટીમાં આવેલા ઐતિહાસિક સ્થાપત્યોની મુલાકાત કરાવવામાં આવશે. સ્થાનિક ગાઇડ દ્વારા ઐતિહાસિક વારસા અંગે જાણકારી આપવામાં આવશે. તે સિવાય સાહસિકો માટે ટ્રેકિંગ, પંચમહાલના પારંપરિક ભાતીગળ સાંસ્કૃતિક કાર્યક્રમો, ક્રાફટ બજાર, ફૂડ બજાર, એમ્યુઝમેન્ટ પાર્ક, જાણીતા કલાકારો દ્વારા રોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ અને વિવિધ થીમ પર આધારિત પેવેલિયન્સ જેવી ઘણી મજા માણવા મળશે.

આ ઉત્સવ દરમિયાન પ્રવાસીઓને રહેવા માટે અહીં 80 જેટલા ટેન્ટ હાઉસ રાખવામાં આવ્યા છે. તેમજ જિલ્લાની ખાદ્ય અને લોક સંસ્કૃતિની ઓળખ માટે 100થી વધારે સ્ટોલ્સ હશે.

You might also like