વીરડાનો આધાર,પાણી માટે ફાંફા મારતા 100 પરિવારોની પ્યાસ કોણ બુઝાવશે ?

પંચમહાલ:ગતિશીલ ગુજરાતમાં પંચમહાલ જિલ્લાનું ચલાલી ગામ વીરડાથી પ્યાસ છીપાવી રહ્યું છે. આનાથી વાઈબ્રન્ટ ગુજરાતનું વરવું ચિત્ર બીજું કયું હોઈ શકે,સૂકીભટ્ટ નદીઓ વચ્ચોવચ ગાળેલા ડહોળા વીરડાનું આ દ્રશ્ય વિધાસભાની બારીઓમાંથી દેખાય તો, આ તરફ આવવાની તસદી લેજો. ખાતરી આપુ છું આ ગ્રામજનો તમારી બિસલરીની બોટલો નહીં જ છીનવી લે.પ્યાસ છીપાવવા વીરડા પર આધાર રાખતા, ગ્રામજનોની વ્યથાનો.

કાલોલ તાલુકાનાં અનેક ગામોમાં પાણી ની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે.ત્યારે કાલોલ તાલુકાના ચલાલી ગામના જાંબુડી ફળિયામાં રહેતા 100 જેટલાં પરિવારો પાણી વગર ફાંફા મારે છે. ગામમાં કુલ 1200 ઉપરાંત વસ્તી છે. પીવાના અને વપરાશ ના પાણી માટે ગામલોકોને બાજુમાં આવેલી ગોમા નદી પર આધાર રાખવો પડે છે. પરંતુ આ નદી કાંઈ બે કાંઠે ભરપૂર નથી.

ઉલ્લેખનીય છે કે,ગામથી 2 કિમી દૂર આવેલી નદીમાં વીરડો ગાળવો પડે છે. ખૂબ ઊંડો વીરડો ગળાયા બાદ ધીમેધીમે પાણીની આવક થાય છે. જેને વાટકાથી ઉલેચવું પડે છે. એક હેલ પાણી જોઈતું હોય તો ઓછામાં આછી એક કલાક રાહ જોવી પડે છે. ત્યારે માંડ ડહોળું પાણી નસીબ થાય છે. તો બીજી તરફ પાણીની ટાંકીઓ શોભાના ગાંઠિયા સમાન બની છે. પાણી માટે તંત્ર દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી.

ગામની મહિલાઓના કહેવા મુજબ જયારે પણ ચૂંટણી આવે છે ત્યારે સ્થાનિક નેતાઓ મોટા વચનો આપી જાય છે. પરંતુ તેમ છતાં પાણી માટે કોઈ વ્યવસ્થા થતી નથી.વળી પાછા બીજી ચૂંટણી વખતે નેતા એ જ વચનો આપે છે. ગ્રામજનો છેલ્લા કેટલાક વર્ષોથી આ જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.

 

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ ગામમાં સતત પાણીની તકલીફને કારણે આ ગામમાં કોઈ કન્યા સરળતાથી આપતું નથી. પાણીની તંગીના કારણે તેમના સમાજ જીવન પર પ્રતિકૂળ અસર પડી રહી છે. ગામમાં કોઈના ઘરે પ્રસંગ હોય તો 1500 રૂપિયા ખર્ચીને ટેન્કર મગાવવું પડે છે. કામધંધો મૂકીને અબાલવૃદ્ધ સહુ કોઈ એક માત્ર પાણી ભરવાના કામમાં લાગેલા રહે છે.

આપને જણાવી દઇએ કે,રાજ્યમાં પાણીનો પોકાર ચોમેરથી ઉઠયો છે. ત્યારે સરકાર તાત્પૂરતી વ્યવસ્થા કરે છે,પરંતુ બીજા વર્ષે પરિસ્થિતિ એવીને એવી જ હોય છે. ટકાઉ વિકાસ જેવું કંઈક હોય દર વર્ષે એક જ પ્રકારની પરિસ્થિતિમાંથી જનતાએ પસાર ના થવું પડે. હાલ તો ગ્રામજનો વીરડામાંથી તરસ છીપાવી રહ્યા છે સરકાર કશુ કરે તો જનતાને વિશ્વાસ બેસે.

You might also like