પંચમહાલમાં સર્જાયો ગંભીર અકસ્માત, એક જ પરિવારનાં 7 બાળકોનાં મોત

પંચમહાલઃ પંચમહાલમાં આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારનાં 7 સભ્યો મૃત્યું પામ્યાં છે. આ કારમાં તમામ નાના નાના બાળકો સવાર હતાં. શિવરાજપુર નજીકનાં જબાન ગામ નજીક એકાએક કારનું ટાયર ફાટતાં તે કાર ખાઇમાં ખાબકી હતી.

જેને લઈને કારમાં સવાર એવાં બોડેલીનાં એક જ પરિવારનાં સાત સભ્યોનાં મોત નિપજ્યાં છે. જ્યારે બે લોકોની હાલત હજી પણ ગંભીર છે. મહત્વનું છે કે હાલમાં આ મૃતદેહોને જાંબુઘોડા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જો કે પંચમહાલમાં આ અકસ્માત પરિવાર માટે ગોઝારો સાબિત થયો છે. શિવરાજપુર નજીક મોડી રાત્રે એકાએક કારનું ટાયર ફાટ્યું હતું કે જેથી કાર નજીકનાં ખાડામાં જઇને ખાબકી હતી. જો કે આ અકસ્માત સર્જાતા જ લોકોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં.

આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક પોલીસ તંત્ર અને એમ્બ્યુલન્સની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. અકસ્માતને લઇ તુરંત જ બચાવની કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં કાર ડ્રાઇવર અને એક બાળકીની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

પરંતુ આ અકસ્માતમાં એક જ પરિવારનાં 7 નાના બાળકોનાં મોત થતાં ભારે અરેરાટી મચી જવા પામી હતી. આ પરિવાર જ્યારે પોતાનાં સંબંધીનાં ઘરે ગયાં હતાં ત્યાંથી પરત ફરતી વેળાએ શિવરાજપુર નજીક આ દુર્ઘટના બની હતી.

You might also like