પંચાયતોની ચૂંટણીમાં 79%નું જંગી મતદાન : ભાજપ માટે ખાંડાની ધાર

ગાંધીનગર : આજે રાજ્યભરમાં ગ્રામપંચાયતની ચૂંટણી માટે મતદાન શાંતિપુર્ણ રીતે પુર્ણ થયું હતું. ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી મુદ્દે ચૂંટણી આયોગ કમિશ્ર્નર વરેશસિંહાએ પ્રેસ કોન્ફરનસ કરીને સમગ્ર માહિતી આપી હતી. સિન્હાનાં અનુસાર ગ્રામપંચાયતની ચૂંટણીમાં સરેરાશ 79 ટકા મતદાન થયુ છે. જે ગત્ત ચૂંટણી કરતા 2% વધારે છે. અત્રે નોંધનીય છે કે, ગત ગ્રામપંચાયતની ચૂંટણીમાં 77 ટકા મતદાન થયું હતું.

સમગ્ર મતદાન પ્રક્રિયા છુટાછવાયા કેસોને બાદ કરતા શાંતિપુર્ણ રહી હતી. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 8 સ્થળો પર નાના મોટા બનાવો થયા હતા. જેમાંથી 2 જગ્યા પર પુનઃ મતદાન કરવામાં આવશે. બંને જગ્યાઓ પર યાદીમાં ભુલ હોવાથી પુનઃમતદાન કરવામાં આવશે. તો રાજ્યમાં 12 સ્થળો પર મરણના કારણે ચૂંટણી સ્થગીત કરવામાં આવી હતી.

જિલ્લા પ્રમાણે મતદાનનાં આંકડાઓ પર નજર કરીએ તો અમદાવાદમાં સરેરાશ 63થી 67 ટકા મતદાન થયું છે. તો રાજકોટ જિલ્લામાં સરેરાશ 65થી 66 ટકા મતદાન થયું છે. તો સુરતમાં સરેરાશ 61થી 65 ટકા મતદાન થયું છે. તો વડોદરામાં સરેરાશ 65થી 66 ટકા મતદાન થયુ છે.

અત્રે નોંધનીય છે કે 8954 ગ્રામ પંચાયતોની ચૂંટણી ઘણી મહત્વની છે. આ ચૂંટણી પરથી નોટબંધી બાદનું પ્રજાનું વલણ તો ખબર પડશે જ પરંતુ સાથે સાથે ભાજપની રૂપાણીનિત સરકાર માટે પણ આ લિટમસ ટેસ્ટ સાબિત થશે. આ ચૂંટણીમાં કુલ 8954 ગામમાંથી 1,47,749 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

You might also like