Categories: Health & Fitness

સંતાનોની સંભાળ રાખો – ભૂપત વડોદરિયા

સંતાનની સંભાળ રાખો

 

દર વર્ષે કિશોરો કાશ્મીર જોવા, તાજમહલ જોવા કે ગમે ત્યાં ચાલ્યા જાય છે. તેમની આ ચેષ્ટા પોતાના પ્રત્યે ધ્યાન નહીં આપતા પોતાના કુટુંબની ઉદાસીનતાને આંચકો આપવા માટે જ હોય છે. એ ઘરેથી ભાગે છે, કેમ કે તેમને જોવું હોય છે કે પોતાના ઘરના માણસોના પ્રેમની રસ્સી કેટલી લાંબી અને કેટલી મજબૂત છે. કેટલીક વાર આ રીતે ઉપેક્ષિત સંતાનો માબાપનું ધ્યાન ખેંચવા મથે છે, કેટલીક વાર આ રીતે માબાપને રડાવવા માગે છે. પોતાને નહીં મળેલી લાગણીઓનું ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે વળતર લેવાની એક કોશિશ હોય છે. કેટલાંક બાળકોની બાબતમાં એવું બને છે કે ‘તું કાંઇ કરવાનો નહીં’ એવો માબાપનો ઠપકો તેના કાનમાં વાગ્યા જ કરતો હોય છે, અને તેથી તે કાંઈક કરી બતાવવા મેદાને પડે છે. કેટલીક વાર બાળકને શાળામાં કાંઈ ચેન પડતું નથી ત્યારે તે ભાગી છૂટે છે. ક્યારેક શેરી કે સોસાયટીના મિત્રો વચ્ચે અછૂત બની જવાથી, ઉપેક્ષિત બની જવાથી ચાલ્યો જાય છે. કિશોર કે જુવાન પોતાનું ઘર આ રીતે છોડે છે તેનાં આવાં ઘણાં કારણો હોય છે. જુદા જુદા કિસ્સામાં જુદાં જુદાં કારણો હોય છે. કોઈક કિસ્સામાં ‘પ્રસિદ્ધિ’ મેળવવાની ઝંખના પણ હોય છે, પણ આમાંનાં ઘણાખરાં કારણોનાં મૂળ તેની નહીં સંતોષાયેલી લાગણીની ભૂખમાં પડેલાં હોયછે. કુટુંબજીવનમાં તેને પોતાનું સ્થાન બરાબર મળ્યું નથી હોતું તે એક હકીકત હોય છે. તેને કુટુંબમાં પાણીને બદલે દૂધ મળ્યું હશે, પણ તેને સોબત નહીં મળી હોય, હૂંફ નહીં મળી હોય, આશ્વાસન નહીં મળ્યું હોય. તેને જેની ખામી ખૂબ સતાવે છે તે આત્મવિશ્વાસનું ભાતું કોઈએ નહીં બંધાવ્યું હોય.

માબાપોએ બાળકને પ્રેમ આપવાનો છે, પણ સાથે સાથે તેને પરાવલંબી અને ઓશિયાળું બનાવા દેવાનું નથી. માબાપનો પ્રેમ આપણે ત્યાં બાળકનું વેન ભાંગવામાં કે મારપીટ કરીને પછી આંસુ અને ચુંબનની વર્ષા કરવામાં વધુ વ્યકત થાય છે. બાળક તો માબાપના પ્રેમની કલ્પના અનેક દીવડાવાળી આરતીરૃપે કરતું હોય છે. માબાપનો પ્રેમ ઘણીખરી રીતે બોલવો જોઈએ. ક્યારેક માબાપ બાળકનું ધાર્યું કરે ત્યારે બાળકને તે પ્રેમનો પરચો લાગે છે અને ક્યારેક માબાપ બાળકનું ધાર્યું ન કરે અને તેને ધબ્બો મારીને ટટ્ટાર કરે ત્યારે પણ બાળકને સમજાયા વગર રહેતું નથી, કે આ પણ પ્રેમનો પરચો છે. બાળકને ખાતરી કરાવવી જોઈએ કે તે સ્નેહનું હકદાર છે. માબાપ તેને જે સ્નેહ આપે છે તે ગૌરવથી આપે છે, ભિક્ષારૃપે નથી આપતાં અને માબાપને પોતાનામાં ખરેખર રસ છે. ખરેખરા રસની આ વાત છે. દીકરો કમાશે તે સ્વાર્થની વાત નથી, દીકરો મોટો થઈને જવાબદારી ઉપાડશે તે ગણતરીની વાત નથી, દીકરો પોતાનું નાક બીજાઓ પાસે ઊંચું રખાવશે તે અભિમાનની પણ વાત નથી. જ્યાં માબાપો બાળકોને એવી ખાતરી કરાવી શકે કે તેઓ ઓશિયાળાં કે અપંગ નથી, તેઓ સ્વતંત્ર વ્યક્તિઓ છે, તેઓ માન-આદરનાં અધિકારી છે. તેમને ચાહવામાં આવે છે કેમ કે તેઓ ચાહવાયોગ્ય છે અને આ પ્રેમસંબંધ પણ તેમની ઈચ્છાનું સંતાન છે, ગરજ કે જરૃરિયાત નહીં. ત્યારે બાળકના વ્યક્તિત્ત્વના કમળની ઘણીબધી પાંખડીઓ ખૂલે છે અને તે ખુશબોદાર બની રહે છે.

કોઈ કહેશે કે વાત તો સારી છે, પણ માબાપો જો બાળકોની આ પળોજણમાંથી ઊંચા જ ન આવે તો પોતે જીવે કઈ રીતે? પોતે શું કામ કરી શકે? પોતાની ફરજો કઈ રીતે બજાવે? માબાપોને પણ શું પોતાનું જીવન નથી? તેઓ પણ શું માણસ નથી?! આનો જવાબ એ છે કે જે માબાપો બાળકોની બાબતમાં થોડી સમજ કેળવતાં થાય છે તેમને આપોઆપ રસ્તો દેખાય છે અને માબાપ તરીકેની કોઈ અલગ અઘરી ભૂમિકા બજાવવા બેસવું પડતું નથી. જે કુશળતાથી ગૃહિણી રસોડાનાં સત્તર ખાનાંથી સત્તર ચીજો ભેગી કરીને રોજરોજનું મિષ્ટ ભોજન બનાવે છે એ જ કુશળતાથી એ માતૃત્ત્વના પાટલે એક આકાર વિનાના શિશુને સંપૂર્ણ વ્યક્તિત્વ આપે છે. પોતાની રીતે જીવતાં જીવતાં જ સ્ત્રી-પુરુષો માતાપિતા બને છે અને તેમનું ઘર અને કુટુંબજીવન તદ્દન સહજ રીતે બાળકની પાઠશાળા બની જાય છે. ઘરમાં ચાલતી પ્રત્યેક ક્રિયા, માબાપનું પ્રત્યેક વર્તન બાળક નીરખે છે, ઝીલે છે, અને ઉકેલે છે. માબાપ અને બાળક વચ્ચે એક સંવાદ, એક સંબંધ, એક વિશ્વાસ ઊભો કરવાની જરૃર હોય છે. માબાપ જ્યાં થોડીક ખેવના રાખે છે ત્યાં આ જટિલ દેખાતું કામ સહજ રીતે થઈ જાય છે. બાળક તમારે ઘેર આવ્યું છે તો તેને તમારે માણસ બનાવવાનું છે, તેને લોટરીની એક ટિકિટની જેમ સંઘરી મૂકીને ઇનામના તરંગોમાં રાચવાનું નથી કે નંબર નહીં લાગે તેવું જણાતાં તેને નકામી ચીજોના ખાનામાં નાખી દેવાનું નથી. લોટરીની ટિકિટ ઉપર ઇનામની રકમો લખી હોય છે, બાળકનું કપાળ કોરું છે પણ તેમાં શું લખાયેલું છે તેની આપણને ખબર નથી. આમ જૂઓ તો પારાવાર શક્યતાઓ છે. આમાંનું કોઈક બાળક કુળદીપક કે દેશદીપક પણ હોઈ શકે છે એવું સમજીને તેનામાં જરા રસ લો. લોટરીની ટિકિટની જેમ એ સાવ માથે નહીં પડે.

( લેખકશ્રીના પસંદ કરેલા લેખોમાંથી )

Latest Books Published by Navbharat Sahitya Mandir

પ્રેમ, ધર્મ-શ્રદ્ધા, સંબંધ, માનવતા અને આશા-નિરાશા ( પાંચ પુસ્તકોનો સંપુટ)

ભૂપત વડોદરિયાના જીવન ઘડતરના પુસ્તકો ખરીદવા માટે સંપર્ક કરોઃ

નવભારત સાહિત્ય મંદિર

મેઇલ આઇડીઃ info@navbharatonline.com

Maharshi Shukla

Recent Posts

ઘર, ઓફિસ, કાર… પોલીસથી ‘બેખૌફ’ તસ્કરો ક્યાંય પણ ત્રાટકી શકે છે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં તસ્કરો પોલીસના ખૌફ વગર બેફામ બન્યા હોય તેમ ઠેરઠેર ચોરીની ઘટનાને અંજામ આપીને નાસી જાય છે.…

5 hours ago

Ahmedabad: સાબરમતી રિવરફ્રન્ટને ઈન્દિરાબ્રિજ સુધી લંબાવાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીના પશ્ચિમ અને પૂર્વ કાંઠા પર કુલ. ૧૧.પ૦ કિ.મી. લંબાઇમાં કરોડો રૂપિયાના ખર્ચે…

5 hours ago

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં છ દિવસમાં રૂ.35.64 કરોડનું વેચાણ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: દુબઇમાં યોજાતા શોપિંગ ફેસ્ટિવલની જેમ અમદાવાદમાં હાલમાં બાર દિવસનો શોપિંગ ફેસ્ટિવલ યોજાઇ રહ્યો છે. જોકે શહેરનાં શોપિંગ…

5 hours ago

ફલાવર શોના શનિ-રવિના મુલાકાતી માટે ખાસ પાર્કિંગ વ્યવસ્થા કરાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા અમદાવાદીઓમાં અાકર્ષણનું કેન્દ્ર બનેલા ફ્લાવર શોની મુદતને આગામી તા. ૩૧ જાન્યુઆરી સુધી વધારાઈ…

5 hours ago

નરોડા પાટિયા કેસના ચાર દોષિતને સુપ્રીમે જામીન આપ્યા

(અમદાવાદ બ્યૂરો): સુપ્રીમ કોર્ટે ર૦૦રના નરોડા પાટિયા રમખાણ કેસમાં ચાર અપરાધીઓની જામીન પર છોડવાની અરજી પર સુનાવણી કરીને તેઓને જામીન…

5 hours ago

સુભાષચંદ્ર બોઝ જયંતીઃ મોદીએ લાલ કિલ્લામાં સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું

(એજન્સી) નવી દિલ્હી: નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૨મી જન્મ જયંતીના અવસર પર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પર…

6 hours ago