પાનકાર્ડની બબાલઃ શહેરના જ્વેલર્સે સજ્જડ હડતાળ પાડી

અમદાવાદ: સરકારની પાનકાર્ડની નીતિ સામે આજે વિવિધ જ્વેલર્સ એસોસિયેશને હડતાળના એલાનની જાહેરાત કરી હતી. જેને પગલે આજે માણેકચોક, સી.જી. રોડ, શિવરંજની રોડ સહિત શહેરનાં પરા વિસ્તારનાં જ્વેલર્સો પણ હડતાળમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે સરકારે ૧લી જાન્યુઆરીથી બે લાખ કે બે લાખથી વધુની ખરીદી પર પણ કાર્ડનો નિયમ અમલી બનાવ્યો છે. સરકારને આ અંગે રજૂઆત કરવા છતાં યોગ્ય ઉકેલ ન આવતાં છેવટે આજે રાજ્ય સહિત દેશભરમાં જ્વેલર્સોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. શહેરના હોલસેલ, સેમિહોલસેલ તથા જ્વેલર્સ એન્ડ મેન્યુફેક્ચરર્સ દ્વારા પાડવામાં આવેલી આજની હડતાળના પગલે શહેરમાં ૨૦૦ કરોડથી વધુની સોના-ચાંદીની જ્વેલરીનો કારોબાર ઠપ થઇ જશે. આ અંગે અમદાવાદ જ્વેલર્સ એસો.ના પ્રેસિડેન્ટ રોહિત ચોક્સીના જણાવ્યા પ્રમાણે સરકારની પાનકાર્ડ વિરોધી નીતિને કારણે આજે શહેર સહિત દેશભરના તમામ જ્વેલર્સે સજ્જડ બંધ રાખ્યો છે.

માણેકચોક વિસ્તારમાં કે જ્યાં બુલિયન, હોલસેલ અને સેમી હોલસેલનો સોના ચાંદીનો કરોડો કારોબાર થાય છે. આ વધારો આજે સવારથી સુમસામ લાગતો હતો. એટલું જ નહીં શહેરનાં પશ્ચિમ વિસ્તારમાં સી.જી. રોડ અને શિવરંજની વિસ્તારમાં આવેલ જ્વેલર્સો પણ હડતાળમાં જોડાયા હતા.

દરમિયાન સામાન્યરીતે પરા વિસ્તારમાં જ્વેલર્સો હડતાળમાં જોડાતાં નથી, પરંતુ આ વખતે સરકારની નીતિ સામે આ જ્વેલર્સોએ પણ ઉગ્ર આક્રોશ વ્યક્ત કરી હડતાળમાં જોડાયા છે. શહેરમાં સાબરમતી, બાપુનગર સહિત તમામ પરા વિસ્તારમાં જ્વેલર્સોએ પણ બંધ પાળ્યો હતો.

You might also like