પનામા પેપર્સની તપાસમાં ભારતીયોનાં નામ મેળવવા સામે અનેક પડકારો

નવી દિલ્હી: ભારત સહિત સમગ્ર દુનિયામાં ખળભળાટ મચાવનારા ‘પનામા પેપર્સ’ની તપાસ માટે કેન્દ્ર સરકાર તરફથી ગઠિત ઉચ્ચ સ્તરીય સમિતિએ પોતાનું કામ શરૂ કરી દીધું છે. સમિતિ સામે સૌથી મોટો પ્રશ્ન આ કેસમાં સામેલ ભારતીયોનાં નામ મેળવવાનો છે. ભારતીય રિઝર્વ બેન્ક, સીબીડીટી, ઈડી અને એફઆઈયુની સંયુક્ત ટીમ આ કેસની તપાસ કરી રહી છે.

તપાસ સમિતિની પહેલી બેઠકમાં એક સામાન્ય વિચાર એવો હતો કે સૌથી પહેલાં પનામા સ્થિત કંપની મોસેક ફોન્સેકા સાથે સંબંધ રાખનાર ભારતીયો અને ભારતીય કંપનીઓના નામ મેળવવા પડશે. તપાસ સમિતિ આ માટે દરેક વિકલ્પ અજમાવવા તૈયાર છે. આ માટે આરબીઆઈ દુનિયાની અન્ય કેન્દ્રીય બેન્કોની મદદ લેવાનું વિચારી રહી છે. આ રીતે ઈડી સીધા મોસેક ફોન્સેકાથી તેના ભારતીય ગ્રાહકોનાં નામ મે‍ળવવાની કોશિશ કરશે.

સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ આ તપાસમાં રિઝર્વ બેન્કની સૌથી મહત્ત્વની ભૂમિકા હશે. કેન્દ્રીય બેન્ક પાસેથી અનુમતી લીધા બાદ જ કોઈ વ્યક્તિ વિદેશમાં કંપની સ્થાપી શકે છે, તેથી આરબીઆઈ પાસે તે તમામ ભારતીયોની યાદી છે, જેને વિદેશમાં પૈસા લગાવ્યા છે.  મોસેક ફોન્સેકાની મદદથી કોઈ પણ ભારતીયે વિદેશમાં કંપની સ્થાપિત કરી હશે તો તેનો રેકોર્ડ પણ આરબીઆઈ પાસે હોવો જોઈએ, પરંતુ સમસ્યા નામ મેળવવાની છે. હાલમાં બે વિકલ્પો પર નજર છે એક તો ન્યૂઝ પેપર્સમાં જે નામ સામે આવી રહ્યાં છે તેની સચ્ચાઈ સામે લાવવી જોઈએ.  બીજો વિકલ્પ એ છે કે મોસેક ફોન્સેકાની વેબસાઈટ પર જે ભારતીય ગ્રાહકોનાં નામે સાર્વજનિક રીતે ઉપલબ્ધ છે તેની તપાસ કરવામાં આવે.

You might also like