પનામા પેપર્સ લીકમાં હવે અજય દેવગણ પણ લપેટમાં

મુંબઇ: પનામા પેપર્સ લીકમાં બોલિવૂડ અભિનેતા અજય દેવગણનું નામ ઊછળતાં બોલિવૂડ ચોંકી ઊઠ્યું છે. અજય દેવગણે ર૦૧૩માં બ્રિટીશ વર્જીન આઇલેન્ડ ‌સ્થિત એક કંપની મેરિલબોન એન્ટરટેઇનમેન્ટ લિ.ના બધા શેર ખરીદ્યા હતા. અજય દેવગણે વિદેશમાં હિંદી ફિલ્મોના અધિકાર ખરીદવા માટે આ કંપનીના તમામ શેર ખરીદ્યા હતા.

પનામાની કાનૂની ફર્મ મોસેક ફોન્સેકા આ મેરિલબોન એન્ટરટેઇનમેન્ટ લિ.ની રજિસ્ટર્ડ એજન્ટ હતી. આ કંપનીના વાસ્તવિક શેરહોલ્ડર લંડનના હસન એન્ડ સયાની હતા. સયાનીએ ૩૧ ઓકટોબર, ર૦૧૩ના રોજ ૧,૦૦૦ શેર જારી કર્યા હતા. આ જ દિવસે અજય દેવગણે તમામ શેર ખરીદી લીધા હતા.

આ અંગે અજય દેવગણે એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં ખુલાસો કરતાં જણાવ્યું હતું કે આ કંપની આરબીઆઇની ગાઇડલાઇન અનુસાર બનાવવામાં આવી હતી. મારા પરિવારે કાયદા હેઠળ જરૂરી તમામ માહિતી ટેક્સ રિટર્નમાં જાહેર કરી છે. અજય દેવગણના સીએ અ‌િનલ સેખરીને પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે અજય દેવગણ પાસે મેસર્સ નયાસા યુગ એન્ટરટેઇનમેન્ટના ૧,૦૦૦ શેર છે. મેસર્સ નયાસા યુગ એન્ટરટેઇનમેન્ટમાં અજય દેવગણ અને કાજોલ દેવગણ બંને પાર્ટનર છે.
સેખરીએ વધુમાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે મેસર્સ નયાસા યુગ એન્ટરટેઇનમેન્ટે ઓવરસીઝ ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા કંપની શરૂ કરી હતી, તેમાં આરબીઆઇના તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. આઇટી વિભાગને મેસર્સ નયાસા યુગ એન્ટરટેઇનમેન્ટ દ્વારા રજૂ કરવામાં આવેલ બેલેન્સશીટમાં પણ મેરિલબોન એન્ટરટેઇનમેન્ટ લિ.ના શેરની માહિતી આપવામાં આવી છે. ૩૧ ઓક્ટોબર, ર૦૧૩ના રોજ અજય દેવગણે આ
કંપનીના ડાયરેક્ટર તરીકે કામ
કર્યું હોવાની વાતને સમર્થન આપ્યું હતું. તેમણે ૧પ ડિસેમ્બર, ર૦૧૪ના રોજ ડાયરેક્ટરપદેથી રાજીનામુું આપ્યું હતું.

You might also like