પનામા પેપર્સ લીક્સઃ બ્લેક મની, ટેક્સ ચોરીનો રેલો નીરા રાડિયા સુધી પહોંચ્યો

નવી દિલ્હી: પનામા લિક્સની ત્રીજી યાદી પણ જાહેર થઈ ચૂકી છે. અંગ્રેજી અખબાર ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર આ ત્રીજી યાદીમાં નીરા રાડિયા, મોદી ગ્રૂપના સતીશ મોદી, સિન્ટેક્સના રાહુલ પટેલ, જ્યૂપીટર ગ્રૂપના પ્રિતમ બોથરા અને શ્વેતા ગુપ્તાનાં નામોનો સમાવેશ થાય છે. દુનિયાભરની જાણીતી હસ્તીઓની ટેક્સચોરી અને કાળાં નાણાંના મામલાનો પર્દાફાશ કરનાર પનામા સ્થિત કાનૂની ફર્મ મોસેક ફોન્સેકા દ્વારા જારી કરવામાં આવેલા ટેક્સ હેવન દેશોમાં જમા મોટી હસ્તીઓ અને નેતાઓનાં કાળાં નાણાં અને સંપત્તિઓની યાદીનું કનેકશન હવે નીરા રાડિયા સુધી પહોંચ્યું છે.

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ૨-જી કૌભાંડમાં ફસાયેલ નીરા રાડિયાએ વિદેશમાં કાળું નાણું જમા કરાવ્યું છે. લીક થયેલા દસ્તાવેજોમાં એવો પર્દાફાશ થયો છે કે નીરા રાડિયાએ એક કંપનીનું રજિસ્ટ્રેશન કરાવવા માટે સ્વયંની બ્રિટિશ નાગરિક તરીકે ઓળખ આપી હતી. રસપ્રદ વાત એ છે કે રાડિયાની કંપનીમાં તેના પિતા પણ શેરહોલ્ડર છે અને તેમની નાગરિકતા પણ બ્રિટિશ હોવાનું જણાવાયું છે.

પનામા પેપર્સના એનાલિસિસ દ્વારા જાણવા મળ્યું છે કે વિદેશમાં નીરા રાડિયાની એક કંપનીનું ૧૯૯૪માં મોસેક ફોન્સેકા દ્વારા બ્રિટિશ વર્જિન આઈલેન્ડ (બીવીઆઈ)માં રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. આ કંપનીનું નામ ક્રાઉન માર્ટ ઈન્ટરનેશનલ ગ્રૂપ લિમિટેડ છે. ૨૦૦૪ સુધી આ કંપનીના દસ્તાવેજો પર નીરા રાડિયાએ જ સહીઓ કરી હતી. દસ્તાવેજોમાં રાડિયાના દિલ્હીમાં વસંતવિહાર સ્થિત નિવાસસ્થાનનું સરનામું લખેલું છે, તેમાં નીરા રાડિયાના પિતાની બે સંપત્તિઓનો પણ ઉલ્લેખ થયેલો છે, જેમાંથી એક સંપત્તિ લંડનમાં છે અને બીજી સંપત્તિ દિલ્હીના ફિરોઝ શાહ રોડ સ્થિત આવાસની છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વૈષ્ણવી કોમ્યુનિકેશન્સની સંસ્થાપક નીરા રાડિયાની આજથી આઠ વર્ષ પૂર્વે પ્રધાનો, પત્રકારો અને ઉદ્યોગપતિઓ સહિતની કેટલીક અગ્રણી હસ્તીઓ સાથે થયેલી ટેલિફોન વાતચીતની ટેપ તપાસનો વિષય બની હતી. નીરા રાડિયાનું નામ હવે પનામા પેપર્સમાં બ્રિટિશ વર્જિન આઈલેન્ડ ખાતે એક કંપની સ્થાપવાની બાબતમાં જાહેર થયું છે.

જોકે નીરા રાડિયાના કાર્યાલયે આ વાતને રદિયો આપ્યો છે, પરંતુ પનામા પેપર્સના દસ્તાવેજોના ત્રીજા ભાગમાં જાહેર કરાયેલા ૨૩૨ દસ્તાવેજોમાં ટેક્સ એવનમાં જે કંપનીઓની યાદી આપી છે, જેમાં એક કંપની ક્રાઉન માર્ટ ઈન્ટરનેશનલ ગ્રૂપના ડાયરેક્ટર તરીકે નીરા રાડિયાના નામનો પર્દાફાશ થયો છે.

મોસેક ફોન્સેકાની ફાઈલમાં નીરા રાડિયાની કંપની પર ૨૩૨ દસ્તાવેજો છે, જેમાં કંપનીના રજિસ્ટ્રેશનને લગતા દસ્તાવેજો, ડાયરેક્ટરોના નામે જારી થયેલા શેર સર્ટિફિકેટોનો સમાવેશ થાય છે. નીરા રાડિયાને આ દસ્તાવેજમાં બ્રિટિશ નાગરિક તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ કંપનીના અનેક ઠરાવો પર નીરા રાડિયાની સહીઓ છે. નીરા રાડિયાની કંપની ક્રાઉન માર્ટ ઈન્ટરનેશનલ (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડની સ્થાપના ૧૯૯૨માં કરવામાં આવી હતી અને નીરા રાડિયાના પિતા ઈકબાલ નારાયણ મેનનનો તેમાં એક ટકા હિસ્સો હતો. ૧૯૯૫માં કંપનીએ એક લાખ પાઉન્ડની જવાબદારી દર્શાવીને નાદારી માટે અરજી દાખલ કરી હતી. નીરા રાડિયાના ત્રણ પુત્રો અક્ષય, આકાશ અને કરણ પણ આ ક્રાઉન માર્ટ ઈન્ટરનેશનલ (ઈન્ડિયા) પ્રા. લિમિટેડમાં ડાયરેક્ટર તરીકે હતા.

રેકોર્ડ પરથી એવું જાહેર થયું છે કે ૨૦૦૯માં મોસેક ફોન્સેકાના રજિસ્ટરમાં આ કંપની રદ કરવામાં આવી હતી અને માર્ચ-૨૦૧૨માં બીવીઆઈ ફાઈનાન્સિસ સર્વિસીસ કમિશન દ્વારા વ‌િર્જન આઈલેન્ડ ઓફિશિયલ ગેઝેટમાં આ કંપનીનું નામ છાપીને તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમાં જણાવાયું હતું કે જો કંપની ૩૦ િદવસમાં રજિસ્ટર્ડ એજન્ટની નિમણૂક કરશે નહીં તો તેનું નામ રજિસ્ટરમાંથી કમી કરવામાં આવશે.

નીરા રાડિયા ઉપરાંત પનામા પેપર્સમાં જાહેર થયેલી ત્રીજી યાદીમાં સંજય પોખરિયાલનું નામ પણ ચમક્યું છે. આ ઉપરાંત નંદન ક્લીન ટેકના મોતુરી શ્રીનિવાસ પ્રસાદનું નામ પણ બહાર આવ્યું છે. જેઓ પ્રકાશ સિક્કા ઈન્ડસ્ટ્રીઝના સહમાલિક પણ છે. આ યાદીમાં બેલારીના એક મોટા ઉદ્યોગપતિ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના નામ પણ છે.

You might also like