જ્વેલરી ખરીદી માટે પાનકાર્ડ ફરજિયાતઃ જ્વેલર્સનો વિરોધ

અમદાવાદ: નવા વર્ષથી સરકારે રૂ. બે લાખ કે બે લાખથી ઉપરની રોકડની જ્વેલરીની ખરીદી માટે પાનકાર્ડ ફરજિયાત બનાવ્યું છે, જેની સામે જ્વેલર્સ વિરોધ કરી રહ્યા છે. જ્વેલર્સના કહેવા પ્રમાણે સરકારના આ પ્રકારના નિયમથી તેઓના કારોબારને માઠી અસર પહોંચવાની ભીતિ સેવાઇ રહી છે. સ્થાનિક જ્વેલર્સ એસોસિયેશનના અગ્રણીઓના કહેવા પ્રમાણે તૈયાર જ્વેલરીની ખરીદીનો ૪૦થી ૫૦ ટકા જેટલો કારોબાર ગ્રામ્ય વિસ્તારોમાંથી થતો જોવા મળે છે. આવા સંજોગોમાં મોટા ભાગના લોકો પાસે પાનકાર્ડ હોતું નથી. સરકારે રૂ. બે લાખ કે રૂ. બે લાખથી ઉપરની જ્વેલરીની ખરીદી માટે આગામી જાન્યુઆરી, ૨૦૧૬થી રોકડ જ્વેલરીની ખરીદી ઉપર પાનકાર્ડનો નિયમ ફરજિયાત બનાવ્યો છે અને તેને કારણે જ્વેલરી કારોબારને પણ અસર પહોંચશે તેવી આશંકા વ્યક્ત કરી છે. જ્વેલર્સ એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે સરકારે આ મર્યાદાને વધારવાની માગ કરી છે.

સ્થાનિક જ્વેલર્સના જણાવ્યા પ્રમાણે સ્થાનિક બજારમાં સોનાના ભાવ રૂ. ૨૫,૫૦૦ની આજુબાજુ જોવા મળી રહ્યા છે ત્યારે નીચા ભાવે ખરીદી પણ મોટા પ્રમાણમાં થઇ રહી છે. હાલ કમૂરતા જોવા મળી રહ્યા હોવા છતાં પણ નીચા ભાવે ખરીદીનો ચમકારો છે ત્યારે સરકારની પાનકાર્ડની આ નીતિના કારણે કારોબારને અસર પડશે. જેમ એન્ડ જ્વેલરી ટ્રેડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ શાંતિભાઇ પટેલે જણાવ્યું છે કે સરકારે આગામી ૧ જાન્યુઆરીથી રૂ. બે લાખ કે બે લાખથી ઉપરની ખરીદી માટે પાનકાર્ડનો નિયમ ફરજિયાત બનાવ્યો છે. જ્વેલર્સના કારોબારને તેની સીધી અસર પહોંચશે.

You might also like