પાનકાર્ડના કારણે જ્વેલર્સના કારોબારને ફટકો

અમદાવાદ: કેન્દ્ર સરકારે દેશમાં વધતાં જતાં કાળાં નાણાં ઉપર અંકુશ મૂકવા રૂ. બે લાખ કે બે લાખથી વધુની રોકડેથી ખરીદાતી જ્વેલરી પર પાનકાર્ડ ફરજિયાત કરતાં જ્વેલરીનો ૫૦ ટકાથી વધુ કારોબાર ઘટ્યો છે. જ્વેલર્સ એસોસિયેશનના કહેવા પ્રમાણે સરકાર દ્વારા લાદવામાં આવેલા જુદા જુદા નિયમોના પગલે પ્રામાણિક જ્વેલર્સની મુશ્કેલીઓ વધી ગઇ છે.

નોંધનીય છે કે પાનકાર્ડ સહિત વિવિધ પ્રશ્નને લઇને સ્થાનિક સહિત સમગ્ર દેશના જ્વેલર્સે માર્ચ મહિનામાં ૪૦ દિવસથી વધુની અનિશ્ચિત મુદતની હડતાળ પાડી હતી, પરંતુ સરકાર દ્વારા કોઇ રાહત આપવામાં આવી ન હતી. આ અગાઉ આ મર્યાદા રૂ. પાંચ લાખની હતી.

સ્થાનિક જ્વેલર્સ એસોસિયેશનના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે ગ્રામીણ વિસ્તારમાંથી રોકડેથી મોટા પ્રમાણમાં જ્વેલરીની ખરીદી કરાતી હોય છે. આવા સંજોગોમાં ‘પાનકાર્ડ’ને લઇને જ્વેલર્સના કોરાબારને મોટી મુશ્કેલી પડી રહી છે.
જ્વેલર્સ ગ્રાહકની સગવડતા માટે બે બિલ બનાવે છે

કેન્દ્ર સરકારે રૂ. બે લાખ કે તેથી વધુની રોકડેથી જ્વેલરીની ખરીદી માટે પાનકાર્ડને ફરજિયાત બનાવ્યું છે, પરંતુ મોટા ભાગના ગ્રાહકો અને જ્વેલર્સ પાનકાર્ડના ઈશ્યૂથી બચવા માટે વિવિધ તરકીબ શોધી કાઢે છે. જ્વેલર્સ બે લાખથી વધુની ગ્રાહક દ્વારા જો રોકડેથી ખરીદી કરાતી હોય તો પાનકાર્ડથી બચવા ગ્રાહકને બે બિલ બનાવી આપે છે અને ગ્રાહકને સગવડ સાચવી લે છે.

You might also like