આર્મીઅે હિજબુલ મુજાહિદ્દીનના વડાના પુત્રને પણ બચાવ્યો

નવી દિલ્હી: ગત સપ્તાહમાં જમ્મુ-કાશ્મીરના પંપોરમાં થયેલા આતંકવાદી હુમલા દરમિયાન ભારતીય આર્મીઅે જે લોકોને બચાવ્યા હતા. તેમાં આતંકવાદી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનના વડાનો પુત્ર પણ સામેલ હતો. ત્રણ દિવસ ચાલેલી અથડામણમાં ભારતીય સેનાના પાંચ જવાન શહીદ થયા હતા તેમજ ત્રણ આતંકવાદી પણ માર્યા ગયા હતા.

આ અેન્કાઉન્ટર દરમિયાન ૧૦૦થી વધુ લોકોને ભારતીય સેનાઅે બચાવ્યા હતા. આ લોકોમાં હિજબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીનનો પુત્ર સૈયદ મુઈન પણ સામેલ હતો. સલાહુદીન પાકિસ્તાનના મુજજફરાબાદમાં રહે છે. જયાં ભારત પર હુમલા માટે આતંકવાદીઓને તાલીમ આપવામાં આવે છે. નવાઈની વાત અે છે કે મુઈનને ભારતીય સેનાના જવાનોઅે બચાવ્યો હતો. ત્યારે મીડિયાઅે આ અંગે વાત કરવા માગી તો તેણે કંઈ જ કહેવાનો ઈન્કાર કરી દીધો હતો.

મુઈનના અેક મિત્રઅે જણાવ્યું કે આર્મીઅે માત્ર મુઈનને જ બચાવ્યો ન હતો. ત્યાં બીજા લોકો પણ હતા. તેણે જણાવ્યું કે મીડિયા આ બાબતને સમાચાર કેમ બનાવી રહ્યું છે.? તમામને બચાવ્યા તો મુઈનને પણ બચાવી લેવાયો હતો. સલાહુદીનને ચાર પુત્ર અને અેક પુત્રી છે. જેમાં મુઈન સૌથી નાનો છે. તે અેક કંપનીમાં આઈટી મેનેજર છે. તેમજ તેના બે ભાઈ મેડિકલ વ્યવસાય સાથે સંકળાયેલા છે. જોકે આ ત્રણેય કોઈપણ આતંકવાદી પ્રવૃતિથી દૂર રહે છે.

You might also like